Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ફાર્મા સેક્ટરની કુલ નિકાસ વધીને ૬.૨૬ અબજ ડોલર

ચાલુ નાણાંકીય વર્ષમાં ફાર્મા સેક્ટરને મોટો લાભ : યુરોપિયન યુનિયન અને કોમનવેલ્થના સ્વતંત્ર રાષ્ટ્રો ખાતે ફાર્મા સેક્ટરની કુલ નિકાસમાં સુધારો થવાની અપેક્ષા છે

નવી દિલ્હી, તા.૧ : ચાલુ નાણાંકીય વર્ષે એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિકમાં દવા સહિત ફાર્મા સેક્ટરની કુલ નિકાસ આઠ ટકા વધીને ૬.૨૬ અબજ ડોલરે પહોંચી છે. ચાલુ વર્ષે દેશમાંથી દવાઓની નિકાસમાં ૧૦ ટકાથી વધારે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ ઓફ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટોરેટ જનરલ ઉદય ભાસ્કરે જણાવ્યુ કે, પરિસ્થિતિઓ સામાન્ય થયા બાદ યુરોપિયન યુનિયન અને કોમનવેલ્થના સ્વતંત્ર રાષ્ટ્રો  ખાતે ફાર્મા સેક્ટરની કુલ નિકાસમાં સુધારો થવાની અપેક્ષા છે. રશિયા- યુક્રેન યુદ્ધને પગલે આ દેશોને ફાર્મા  પ્રોડક્ટની નિકાસ પ્રભાવિત થઇ છે.

પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાંથી ફાર્મા પ્રોડક્ટની કુલ નિકાસ આઠ ટકા વધી છે. જેમાં અમેરિકા ખાતે નિકાસમાં ૩.૬ ટકાનો વધારો થયો છે જે ભારતની કુલ નિકાસમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે.  

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા બાદ ભારતમાંથી ફાર્મા ઉદ્યોગની નિકાસ વધશે અને ચાલુ નાણાંકીય વર્ષે કુલ નિકાસ લગભગ ૨૭ અબજ ડોલર જેટલી રહેવાની ધારણા છે.

મેક-ઇન ઇન્ડિયા ફાર્મા પ્રોડક્ટોની કુલ નિકાસ એપ્રિલથી જૂન ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૧૩ના સમાન સમયગાળાની સરખામણીએ ૧૪૬ ટકા વધી છે.

(8:04 pm IST)