Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

યુએસનું મિશન સફળ રહ્યાનો રાષ્ટ્રપિનો દાવો

અફઘાન છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો : જો બાઇડન

બાઈડને નિર્ણયની જવાબદારી લીધી પણ યુએસના લોકોનું કહેવું છે કે નિર્ણય આપણે પહેલાં લેવો જોઈતો હતો

વોશિંગટન,તા.૧ : અફઘાનિસ્તાનથી અમેરિકાની અશાંત વાપસી પર સતત ટીકાનો સામનો કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને દેશને સંબોધિત કર્યું. અમેરિકાનું છેલ્લું સી-૧૭ પ્લેન કાબુલથી પરત ફર્યાના ૨૪ કલાક બાદ, બાઇડને અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને ખતમ કરવા અને ૩૧ ઓગસ્ટની સમય મર્યાદાથી પહેલા તમામ અમેરિકન સૈનિકોને પરત બોલાવી લેવાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો. ભારતીય સમય મુજબ, મંગળવાર મધ્યરાત્રિએ આપેલા પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, મારું માનવું છે કે, આ યોગ્ય, બુદ્ધિપૂર્વકનું અને સર્વોત્તમ નિર્ણય છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. યુદ્ધને ખતમ કરવાના મુદ્દાનો સામનો કરનારો ચોથો રાષ્ટ્રપ્રમુખ છું. મેં તેને ખતમ કરવા માટે અમેરિકોને વાયદો કર્યો અને પોતાના વાયદાનું સન્માન પણ કર્યું. વ્હાઇટ હાઉસના એક ભાષણમાં તેમણે કહ્યું કે, હું આ યુદ્ધને હંમેશા માટે આગળ નહોતો વધારવાનો. બાઇડને કહ્યું કે, હું આ નિર્ણયની જવાબદારી લઈ રહ્યો છું. લોકોનું કહેવું છે કે આ નિર્ણય આપણે પહેલા લેવો જોઈતો હતો. હું તેનાથી સહમત નથી કારણ કે જો આવું પહેલા થયું હોત તો ત્યાં અરાજક્તાનો માહોલ થઈ જાત અને ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ જતી. એવામાં કોઈ પડકાર કે ખતરા વગર ત્યાંથી નીકળી ન શકાયું હોત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, અફઘાનિસ્તાન મામલે આ નિર્ણય માત્ર અફઘાનિસ્તાન સુધી સીમિત નથી. તે અન્ય દેશો પુનર્નિર્માણ માટે સૈન્ય અભિયાનોના એક યુગને પણ ખતમ કરવા જેવો છે. બાઇડને જણાવ્યું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જે કર્યું, તેને ભૂલાવી નહીં શકાય. અમેરિકન પ્લેનોથી લોકોને એરલિફ્ટ કરવાની પ્રશંસા કરતા બાઇડને કહ્યું કે, લોકોને પ્રોફેશનલ રીતે બહાર કાઢવામાં આવ્યા અને આપણે જે કર્યું તેને ભૂલાવી નહીં શકાય. તેમણે દાવો કર્યો કે લગભગ ૧ લાખ ૨૫ હજારથી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. હવે ૧૦૦ થી ૨૦૦ અમેરિકનો ત્યાં બાકી છે. ૯૦ ટકા અમેરિકનોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેઓ ત્યાંથી અમેરિકા આવવા માંગે છે તેઓ આવી શકશે. અમેરિકાએ જે કર્યું તે ગૌરવની વાત છે કે અફઘાનિસ્તાનમાં અમારું મિશન સફળ રહ્યું. બાઇડને વધુમાં કહ્યું કે, નવી સદીમાં નવા પડકારોનો સામનો કરવો પડશે.

(12:10 pm IST)