Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમેરિકાની સંસદમાં એન્ટી તાલિબાન બિલ રજૂ : રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ મુકેલા બિલમાં તાલિબાનને સમર્થન આપતા દેશો પર પણ લગામ કસવાનો પ્રસ્તાવ : પાકિસ્તાનમાં હલચલ સાથે ભારે નારાજગી

વોશિંગટન : અમેરિકાની સંસદમાં એન્ટી તાલિબાન બિલ રજૂ કરવામાં આવ્યું છે.રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ મુકેલા બિલમાં તાલિબાનને સમર્થન આપતા દેશો પર પણ લગામ કસવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી પાકિસ્તાનમાં હલચલ સાથે ભારે નારાજગી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

આ બિલમાં તાલિબાનને બેન કરવાની સાથે સાથે તાલિબાનને સમર્થન આપતા દેશો પર પણ લગામ કસવાનો પ્રસ્તાવ મુકાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની સામે આપત્તિ વ્યક્ત કરી છે.

બિલમાં કહેવાયુ છે કે, 2001થી 2020 સુધી તાલિબાનને જેણે પણ સમર્થન આપ્યુ છે તે તમામ સંસ્થાઓનુ મુલ્યાંકન થવુ જોઈએ અને તેની સાથે સાથે પાકિસ્તાનની તેમાં શું ભૂમિકા રહી છે તેની પણ તપાસ થવી જોઈએ. કાબુલમાં અશરફ ગનીની સરકારને પાડી દેવામાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ થવી જોઈએ. ઉપરાંત પંજશીર પ્રાંતમાં અહેમદ મસૂદ સામે તાલિબાનને પાકિસ્તાને કયા પ્રકારની મદદ પૂરી પાડી હતી તે પણ જાણવુ જરૂરી છે.

57 પાનાના આ બિલનુ નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈટ એન્ડ એકાઉન્ટિબિલિટી એક્ટ છે. જે પાસ કરવા પાછળનો હેતુ તાલિબાન તેમજ તાલિબાન સમર્થક દેશો પર પ્રતિબંધ મુકવાનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)