Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

એર ઇન્ડિયા હવે ટાટાનું સરકારને 'ટાટા - બાય બાય'

સરકારી માલિકીની વિમાન કંપની એર ઇન્ડિયાની સૌથી ઉંચી બોલી લગાવી ટાટા ગ્રુપે પોતાના હસ્તક લીધી : ૬૮ વર્ષ બાદ એર ઇન્ડિયાની ઘરવાપસી : પ્રધાનોના જુથે એરલાઇન્સના અધિગ્રહણના પ્રસ્તાવને સ્વીકાર કર્યો : હવે ટાટા નવા માલિક : એર ઇન્ડિયા ઉપર ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધી ૬૦૦૭૪ કરોડનું દેવું હતું : એર ઇન્ડિયા ખરીદનારે રૂ. ૨૩૨૮૬.૫૦ કરોડ ચુકવવા પડશે

નવી દિલ્હી તા. ૧ : એર ઇન્ડિયા ૭૦ વર્ષ પછી ઘરે પરત ફરી રહી છે. ટાટા સન્સે સૌથી વધુ બોલી લગાવીને એર ઇન્ડિયા ખરીદી છે. હવે કંપની હસ્તગત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટાટા સન્સે સૌથી વધુ કિંમત મૂકીને બોલી જીતી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીઓની પેનલે એરલાઇનનો કબજો લેવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આગામી દિવસોમાં સત્ત્।ાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ટાટા ડિસેમ્બર સુધીમાં એર ઇન્ડિયાની માલિકી મેળવી શકે છે.

જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હજુ સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી.જો આવું થશે તો દેવું ડૂબેલ જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જશે. વાસ્તવમાં, એર ઇન્ડિયા માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર હતી. ટાટા સન્સ પણ આ એરલાઇન માટે બિડર્સમાં સામેલ હતી.

JRD ટાટાએ ૧૯૩૨ માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને ૨૯ જુલાઈ ૧૯૪૬ ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. ૧૯૫૩ માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. જો ટાટાએ બોલી જીતી લીધી હોવાની પુષ્ટિ થાય, તો લગભગ ૭૦ વર્ષ પછી, એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપમાં આવશે. ટાટા સન્સ ગ્રુપમાં ૬૬ ટકા હિસ્સો ધરાવે છે, અને ટાટા ગ્રુપના મુખ્ય હિસ્સેદાર છે.

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, ગાઇડન્સના આધાર પર એર ઇન્ડિયા કર્મચારીઓના હીતોનું ખ્યાલ રાખશે. સાથે જ તેને પણ સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવશે.

વર્ષ ૨૦૧૮માં એર ઇન્ડિયાને વેચવાના અસફળ પ્રયત્ન બાદ સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં રોકાણની પ્રક્રિયાને ફરી શરૂ કર્યું અને એર ઇન્ડિયામાં એરઇન્ડિયાની ૧૦૦ ટકા ભાગીદારી સહિત રાજ્યના સ્વામિત્વવાળી એર લાઇનમાં તેમની ૧૦૦ ટકાવાળી એકસપ્રેસ લિમિટેડ અને એરઇન્ડિયા એસએસટીએસ એરપોર્ટ સર્વિસેજ પ્રાઇવેટ લિમિટેડ અને એરઇન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસેજ પ્રાઇવેટ લિમિટેડમાં ૫૦ ટકા ઇકિવટી વેચવા માટે બોલીઓ આમંત્રિત કરી હતી.

(3:05 pm IST)