Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ટાટાએ ટપાલ લઈ જવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો

એર ઈન્ડિયાની સ્થાપના ૧૯૩૨માં થઈ હતી : ૧૫ ઓક્ટોબર,૧૯૩૨માં ટાટાએ કરાચીથી બોમ્બે સુધી ટપાલો લઈ જતું વિમાન ઉડાડી એરલાઈન શરૂ કરી હતી

નવી દિલ્હી, તા. : એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ટાટા ગ્રુપે સરકારી એરલાઈન એર ઈન્ડિયા ખરીદી લીધી છે. રસપ્રદ વાત છે કે, ટાટા ગ્રૂપને ૬૮ વર્ષ બાદ પોતાની એરલાઈન પાછી મળી છે.

એર ઈન્ડિયાની સ્થાપના ૧૯૩૨માં ટાટા એર સર્વિસિઝ તરીકે થઈ હતી. પાછળથી તેનુ નામ ટાટા એરલાઈન કરી નાંખવામાં આવ્યુ હતુ. એરલાઈનની શરૂઆત ભારતીય બિઝનેસ જગતના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ કરી હતી. એપ્રિલ ૧૯૩૨માં ટાટાએ ઈમ્પિરિયલ એરવેઝ માટે ટપાલો લઈ જવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.

પછી તેમણે સિંગલ એન્જિનવાળા બે વિમાનો સાથે પોતાનુ એવિએશન ડિપાર્ટમેન્ટ બનાવ્યુ હતુ. ૧૫ ઓક્ટોબર,૧૯૩૨ના રોજ ટાટાએ કરાચીથી બોમ્બે સુધી ટપાલો લઈ જતુ વિમાન ઉડાવ્યુ હતુ. એરક્રાફ્ટ મદ્રાસ સુધી પણ ગયુ હતુ અને તેના પાયલટ તરીકે બ્રિટનની રોયલ એરફોર્સના નેવિલ વિન્સન્ટ હતા. તે ટાટાના પણ મિત્ર હતા.

કંપનીએ શરૂઆતમાં એર મેલ સર્વિસનુ સંચાલન કર્યુ હતુ. કંપની દ્વારા વિમાનો થકી કરાચી, મદ્રાસ, બોમ્બે અને અમદાવાદ સુધી મેલ પહોંચાડવામાં આવતા હતા. પહેલા વર્ષે એરલાઈનમાં ૧૫૫ મુસાફરોએ સફર કરી હતી અ્ને .૭૨ ટન વજનના મેલ પહોંચાડ્યા હતા. કંપનીનો પહેલા વર્ષનો નફો ૬૦૦૦૦ રૂપિયા હતો.

એરલાઈને બેઠકો ધરાવતા વિમાન સાથે બોમ્બે અને ત્રિવેન્દ્રમ વચ્ચે પહેલી પેસેન્જર ફ્લાઈટ શરૂ કરી હતી. ૧૯૩૮માં કંપનીને ટાટા એરલાઈન નામ અપાયુ હતુ. તેના રૂટ પર કોલમ્બો અને દિલ્હીને સામેલ કરાયા હતા. બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ટાટા એરલાઈને રોયલ એરફોર્સને સૈનિકોની અવર જવરમાં, સપ્લાય પહોંચાડવામાં અને શરણાર્થીઓને બચાવવામાં પણ મદ કરી હતી. આઝાદી બાદ ૧૯૫૩માં સરકારે એર કોર્પોરેશન એકટ પાસ કર્યો હતો. ટાટા સન્સની એરલાઈનનો માલિકી હક સરકારે ખરીદી લીધો હતો. જોકે ચેરમેન તરીકે જે.આર.ડી ટાટાને ૧૯૭૭ સુધી ચાલુ રાખવામાં આવ્યા હતા. કંપનીનુ નામ બદલીને સરકારે એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ કરી નાંખ્યુ હતુ. ૨૧ ફેબ્રુઆરી,૧૯૬૦ના દિવસે એર ઈન્ડિયાએ પોતાના કાફલામાં બોઈંગ ૭૦૭-૪૨૦ને સામેલ કર્યુ હતુ. એરલાઈને વર્ષમાં ન્યૂયોર્કની ફ્લાઈટ શરૂ કરી હતી. પછી ૧૯૬૨ના રોજ એરલાઈનને સત્તાવાર રીતે એર ઈન્ડિયા નામ અપાયુ હતુ.

(7:36 pm IST)