Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઉત્તર પ્રદેશના મનીષ ગુપ્તા કેસની CBI તપાસ કરશે: પરિવારને મળશે 40 લાખની આર્થિક મદદ

પોલીસ કમિશનર અસીમ અરૂણ અને ધારાસભ્ય સુરેન્દ્ર મેથાની 30 લાખનો ચેક પીડિત પરિવારને સોંપશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મનીષ ગુપ્તા કેસની CBI તપાસ થશે. યુપી સરકારે સીબીઆઇ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પીડિત પરિવાર માટે 30 લાખ રૂપિયાની વધારાની સહાયની મંજૂરી આપી છે. આ પહેલા ગઈકાલે 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અસીમ અરૂણ અને ધારાસભ્ય સુરેન્દ્ર મેથાની 30 લાખનો ચેક પીડિત પરિવારને સોંપશે. મુખ્યમંત્રીએ પરિવારના સભ્યોને મળ્યા બાદ સહાયની રકમ વધારવાની ખાતરી આપી હતી.

 

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પ્રોપર્ટી કારોબારીની મોતની ઘટનાએ યુપી પોલીસ ને સવાલોના ઘેરામાં ઉભા કરી દીધા છે. 27 સપ્ટેમ્બરની રાત્રે 6 પોલીસકર્મીઓની ટીમ ગોરખપુરની એક હોટલમાં તપાસ કરવા ગઈ હતી. ચેકિંગ દરમિયાન ઉદ્યોગપતિ મનીષ ગુપ્તા અને તેના સહયોગીઓ પોલીસ સાથે દલીલબાજી કરી હતી. આ પછી કાનપુરના રહેવાસી મનીષનું મૃત્યુ થયું.

પરિવારનો આરોપ છે કે, પોલીસકર્મીઓએ મનીષની હત્યા કરી હતી. જો કે, પોલીસ કહી રહી છે કે, મનીષનું પગ લપસી જવાથી મૃત્યુ થયું છે. સત્ય શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પ્રત્યક્ષદર્શી હરબીરે જણાવ્યું કે પોલીસકર્મીઓએ મનીષ ગુપ્તાને માર માર્યો હતો. મનીષ ગુપ્તાએ પ્રશ્નો પૂછ્યા ત્યારે પોલીસકર્મીઓ ગુસ્સે થયા હતા. પોલીસકર્મીઓએ તેમને પોલીસ સ્ટેશનમાં બંધ કરવાની ધમકી આપી હતી. આરોપી ઇન્સ્પેક્ટર જે.એન.સિંહે માર મારવાનો આદેશ આપ્યો હતો. પોલીસકર્મીઓ મનીષ ગુપ્તાને લિફ્ટમાંથી ખેંચી રહ્યા હતા. માર માર્યા બાદ મનીષના નાકમાંથી લોહી વહેતું હતું.

(12:36 am IST)