Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

તૈયબાએ લખનૌ, વારાણસી, અયોધ્યા સહિત યૂપીના ૪૬ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

પત્ર દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઠેર ઠેર અલર્ટ જાહેર

લખનૌ,તા. ૧: દેશમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ યૂપીમાં મોટા આતંકી હુમલાનું અલર્ટ સામે આવ્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ લખનૌ, વારાણસી, અયોધ્યા સહિત યૂપીના ૪૬ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. શનિવારે મોડી રાતે મળેલા ગુપ્તચર વિભાગના અલર્ટ બાદ રેલવે તંત્રમાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ, અલર્ટ બાદ યૂપીના તમામ રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

આ પહેલાં સ્વતંત્રતા દિવસ પર પણ મોટા આતંકી હુમલાનું અલર્ટ સામે આવ્યું હતું. આ અલર્ટ બાદ ઠેર ઠેર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુપ્તચર વિભાગના અલર્ટ બાદ અનેક રેલવે સ્ટેશન પર GRP, CRPF અને ડોગ સ્કવોડ દ્વારા અનેક રેલવે સ્ટેશન પર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. આ સિવાય તમામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી કરીને સુરક્ષામાં કોઈ કમી રહી ન જાય.

એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટને શનિવારે એક પત્ર મળ્યો હતો. આ પત્રને જયારે ખોલવામાં આવ્યો તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના કોઈ અજાણ્યા કમાન્ડરના નામનો આ પત્ર હતો. આ પત્રમાં યૂપીના ૪૬ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. એવા પણ રિપોર્ટ છે કે, કેટલાંક ધાર્મિક સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

આ પત્રની વાત ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી. જે બાદ ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ પોલીસને પણ અલર્ટ કરવામાં આવી હતી. પોલીસે સીઆરએફ અને જીઆરપીની સાથે મળીને સ્ટેશન પર શંકાસ્પદ લોકો, સામાન, ચીજવસ્તુઓ, વાહનો વગેરેનું ચેકિંગ હાથ ધર્યુ હતું. સાથે જ પોલીસે લોકોને જાગ્રૃત પણ કર્યા હતા. જો કે, આ પત્રમાં કરવામાં આવેલી વાતમાં કેટલું તથ્ય છે એ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. 

(9:57 am IST)