Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ઝાયડસ કેડિલા કોવિડ-૧૯ની રસી રૂ. ૨૬૫ના ભાવે વેચવા તૈયાર

નવી દિલ્હી,તા.૧:  ઝાયડસ કેડિલા કોવિડ-૧૯ની પોતાની રસીના એક ડોઝનો ભાવ ઘટાડીને રૂ. ૨૬૫ના ભાવે વેચવા તૈયાર થઇ હોવાની માહિતી રવિવારે જાણવા મળી હતી. કંપનીએ જણાવ્યું હતું કે સરકાર અમારી રસીના ભાવ દ્યટાડવા માટે સતત વાટાઘાટ કરી રહી છે અને અમે રૂ. ૨૬૫ના ભાવે વેચવા તૈયાર છીએ, પણ આ વિશે હજુ કોઇ કરાર થયા નથી.

અમદાવાદની આ કંપનીએ અગાઉ પોતાની રસીના ત્રણ ડોઝનો ભાવ રૂ. ૧૯૦૦ જાહેર કર્યો હતો. એમની સોઇ વગરની ઝીકોવ-ડી રસીના ત્રણ ડોઝ લેવાના રહેશે. આ ડોઝ લેવા માટે દર ડોઝ વખતે ખાસ પ્રકારનું રૂ. ૯૩નું એક મશીનનો ઉપયોગ કરવાનો રહેશે અને એની કિંમત ઉમેરતા રસીના એક ડોઝની કિંમત રૂ. ૩૫૮ થશે. મશીન દ્વારા તિવ્ર ઝડપે રસીનો ડોઝ શરીરમાં પ્રવેશસે. આ રસી એકવખતે બંને હાથમાં લેવાની રહેશે. ૧૨ વર્ષથી વધુ વયના લોકોને આપવાની આ રસીને ઇમરજન્સી વપરાશ માટે પરવાનગી આપવામાં આવી છે, પણ સરકાર હજુ નિષ્ણાતોની પેનલની પરવાનગીની રાહ જોઇ રહી છે.

(9:58 am IST)