Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

લોકલ સર્કલના સર્વેનું તારણ

કોરોનાથી બચવામાં માસ્ક અસરકારક હોવાનું ફકત બે ટકા ભારતીયો માને છે

નવી દિલ્હી તા. ૧ : આખો દેશ દિવાળીની તૈયારીઓ કરી રહ્યો છે. બજારોમાં જોરદાર ભીડ થઇ રહી છે. રેલવે અને બસો ખીચોખીચ ભરેલી દેખાય છે. આ બધામાં શું કોવિડ નિયમોનું પાલન થાય છે ? લોકલ સર્કલના અભ્યાસમાં આ બાબતે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. અભ્યાસ અનુસાર ફકત બે ટકા ભારતીયોને લાગે છે કે માસ્ક કોરોનાથી બચવાનો એક અસરકારક ઉંપાય છે, જ્યારે ત્રણ ટકાએ અનુભવ્યું છે કે તેમના વિસ્તારો અને જિલ્લાઓમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય છે. અભ્યાસમાં કહેવાયું છે કે, ૯૬ ટકા લોકોએ કહ્યું છે કે મુસાફરી દરમિયાન લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન નથી કરતા તો ૧૬ ટકાનું માનવું છે કે મુસાફરી દરમિયાન લોકો માસ્કનો ઉંપયોગ કરે છે.
દેશના ૩૬૬ જિલ્લાઓના ૨૦ હજારથી વધારે લોકો પાસેથી મળેલ ૩૯ હજાર પ્રતિક્રિયાઓના આધારે આ અભ્યાસ કરાયો છે. તેમાં ૪૭ ટકા લોકો ટીયર-૧, ૩૦ ટકા લોકો ટીયર-૨ અને ૨૩ ટકા લોકો ટીયર-૩ અને ૪ જિલ્લાઓના છે. તેમાં ૬૫ ટકા પુરૂષો અને ૩૫ ટકા મહિલાઓ છે.
દેશના ઘણાં રાજ્યોમાં કોરોનાના વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકોલને હજુ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારે કોવિડ પ્રોટોકોલને ૩૦ નવેમ્બર સુધી લંબાવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવને મોકલેલ પત્રમાં કહ્યું છે કે, કોરોનાના પ્રસારને રોકવા માટે વર્તમાન પ્રોટોકોલ ૩૦ નવેમ્બર સુધી ચાલુ રહેશે.

 

(10:58 am IST)