Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગપતિ 'સેસા' ઓઈલના મૌલેશભાઈ પટેલના સુપુત્ર ચિ. જયના લગ્ન મોરબીના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલની સુપુત્રી ચિ. હિમાંશી સાથે થશે : ૧૪-૧૫-૧૬ નવેમ્બરે જોધપુર ખાતે ત્રણ દિવસના ભવ્યાતિભવ્ય લગ્ન સમારોહ

ઉમેદ ભવન પેલેસ હોટલ અને અજીત ભવન પેલેસ હોટલ આખે આખી બુક કરી લીધી : ૩ ચાર્ટર વિમાનો દ્વારા જાન જોધપુર પહોંચશે : ઐશ્વર્યા મજમુદાર અને સચિન - જીગર સહિતના કલાકારો પર્ફોર્મન્સ રજૂ કરી સમારોહને ચાર ચાંદ લગાડશે : એક થાળીની કિંમત અધધધ ૧૮ હજાર રૂપિયા

રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ પટેલ અને શ્રીમતી સોનલબેન પટેલના સુપુત્ર ચિ.જયના જાજરમાન શુભલગ્ન મોરબીની વિખ્યાત એવી આજવીટો ટાઈલ્સવાળા શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રીમતી શીતલબેન પટેલની પુત્રી ચિ.હેમાંશી સાથે આગામી તા.૧૪-૧૫-૧૬ નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હોટલ ઉમેદ ભવન પેલેસ હાલ તાજ હોટેલ દ્વારા સંચાલિત છે અને તેની નામના દેશની સૌથી મોંઘામાં મોંઘી હોટલોમાં થાય છે. મૌલેશભાઈ પટેલના સુપુત્રના શુભલગ્નના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમ કે, ૧૪મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. તેમજ રાત્રીના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપનાર છે. જયારે ૧૫મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રીના બોલીવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છેજેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જયારે ૧૬મીએ જાજરમાન લગ્ન યોજાશે.

જોધપુર ખાતે યોજાનાર મહાલગ્ન સમારોહ પ્રસંગે ઉમેદ ભવન ખાતેના તમામ ૭૦ જેટલા રૃમ બુક કરી દેવાયા છે. તેમજ અહિંની એક રજવાડી ગણાતી અજીત ભવન પેલેસ ખાતેના પણ તમામ ૬૭ જેટલા રૃમ બુક કરી દેવામાં આવ્યા છે.

રજવાડી જેવા લગ્ન સમારંભ માટે રાજકોટથી ચાર્ટર ફલાઈટ ડાયરેકટ જોધપુર જશે. લગ્નમાં વર પક્ષ અને કન્યા પક્ષ સહિત કુલ ૩૦૦ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

ઉમેદ ભવન પેલેસ ખાતે મહેમાનો માટે ખાસ પ્રકારના ભોજનીયા પીરસવામાં આવશે. તેની એક થાળીની કિંમત અધધ.... ૧૮ હજાર રૂ.. જેટલી થાય છે.

(6:00 pm IST)