Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પ્રજાને મફત રેવડી મળે કે ના મળેઃ ધારાસભ્‍યોને ૫ વર્ષ જલસા જ જલસા

મહિને ૧.૧૬ લાખ પગાર, મફત આરોગ્‍ય સવલતો : એસી, ટીવી, ફ્રિઝ, સોફા સાથેનું ઘર, રૂ.૮૫માં ગરમા-ગરમ ભોજનઃ MLAના પગાર વધારવાની વાત આવે ત્‍યારે બધા એક થઈ જાય છે

નવી દિલ્‍હી,તા. ૧ : વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે ચૂંટાનારા MLAને શું શું લાભો મળે છે તેની પર નજર કરવી જરૂરી છે, MLAને મહિને રૂ.૧.૧૬ લાખનો પગાર મળતો હોય છે, પાંચ વર્ષ સુધી મહિને રૂ. ૭૮,૮૦૦ બેઝિક પગાર, સરેરાશ ૫૫૦૦ મોંઘવારી ભથ્‍થું, ટેલિફોન, પેટ્રોલ બિલ સહિતના લાભો સહિત ૧.૧૬ લાખ મહિને મળતાં હોય છે. ચૂંટણીમાં ભલે ભાજપ-કોંગ્રેસ સામ-સામે હોય પરંતુ જયારે આ MLAના પગાર વધારવાની વાત આવે ત્‍યારે બંને એક થઈ જાય છે.

MLAને રહેવા ગાંધીનગરમાં ક્‍વાર્ટર્સ અપાય છે, જેનું મહિનાનું ભાડું ૪૦ રૂપિયા આસપાસ હોય છે, MLAને મકાનમાં બે સોફા, એક એસી, છ જેટલા પંખા, ફ્રિઝ, ટીવી સહિતની સવલતો પણ જનતાના ખર્ચે પૂરી પાડવામાં આવે છે, MLAના મકાનનું લાઈટ બિલ પણ સરકાર ભરતી હોય છે. ધારાસભ્‍યોના આવાસ ખાતે કેન્‍ટીનની સેવા પણ છે જયાં ૮૫ રૂપિયામાં દાળ-ભાત, શાક-રોટલી સહિતની સેવાઓ અપાય છે. એટલું જ નહિ પરંતુ વર્તમાન ધારાસભ્‍યો ઉપરાંત માજી ધારાસભ્‍યો અને તેમના પરિવાર માટે સરકારી અને ખાનગી હોસ્‍પિટલ્‍સમાં મફત સારવારની સેવાઓ પણ પૂરી પડાય છે. MLAના સેક્રેટરી માટે ૨૦ હજાર મહિને ભથ્‍થું મળતું હોય છે. MLAકારમાં ફરે તો પેટ્રોલ કારમાં પ્રતિ કિ.મી. ૧૧, ડીઝલમાં પ્રતિ કિ.મી. ૧૦ પ્રવાસ ભથ્‍થું ચુકવાય છે. આમ જનતાને રેવડી મળે કે ના મળે પરંતુ ધારાસભ્‍યોને જલસા છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં ધારાસભ્‍યોને પગાર વધારો અપાયો હતો. સૌથી વધુ પગાર લેતાં હોય તેવા ધારાસભ્‍યો મુદ્દે ગુજરાત દેશમાં આઠમા ક્રમે આવે છે. દેશમાં સૌથી વધુ તેલંગાણાના ધારાસભ્‍યને મહિને ૨.૫૦ લાખ પગાર આપવામાં આવે છે. 

(10:49 am IST)