Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કિસાનોની સરકારને ચેતવણી

માંગણી ન સ્વીકારી તો વણસી શકે છે સ્થિતિ

જો સરકાર ૪ જાન્યુઆરી સુધીમાં તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો તે ત્યારબાદની પરિસ્થિતિઓ માટે તેઓ જવાબદાર રહેશે

નવી દિલ્હી તા. ૨ : સાંસદમાંથી પસાર થયેલા નવા કૃષિ કાયદા વિરૂદ્ઘ છેલ્લા ૩૭ દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારને કડક ચેતવણી આપી છે. ખેડૂત સગંઠનોએ કહ્યું છે કે, જો સરકાર ૪ જાન્યુઆરી સુધીમાં તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો તે ત્યારબાદની પરિસ્થિતિઓ માટે તેઓ જવાબદાર રહેશે.

સિંઘુ બોર્ડર પર આયોજિત સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં સ્વરાજ ઇન્ડિયા સંગઠનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમારા બંને કાયદાઓ પર સરકાર હજી સુધી ટસથી મસ થઈ નથી. આથી હવે કિસાન આંદોલન વધુ સઘન કરવામાં આવશે. સરકાર સાથે વાટાઘાટો ૪ જાન્યુઆરીએ છે. જો તેમાં સકારાત્મક પરિણામો ન મળે તો ૬ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી દરમિયાન દેશમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે.

યોગેન્દ્ર યાદવે કહ્યું, '૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર દેશભરમાં એક કાર્યક્રમ યોજવામાં આવશે. હવે યુપીના શાહજહાંપુરમાં કિસાન મોરચા યોજવામાં આવશે. ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશમાં પણ સરકારે કાયદાને હોલ્ડ પર રાખ્યો છે. અમે ગુજરાતના સાથીદારો સાથે સંપર્કમાં છીએ. સરકારની આવી સ્થિતિ છે કે તેઓને ખેડૂતોને ટેકો બતાવવા માટે એક વાસ્તવિક ખેડૂત મળતો નથી.'

યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 'અમારી સંયુકત કિસાન મોરચાની બેઠક થઈ છે. આ બેઠકમાં સરકાર સાથે યોજાયેલી બેઠકોની સમીક્ષા કરીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર અગાઉ એમએસપી પર લેખિતમાં આપવાની વાત કરતી હતી, પરંતુ હવે તે સમિતિની રચના કરવાની વાત કરી રહી છે. એમએસપીના અભાવને કારણે, દર વર્ષે ખેડુતોને ૩ લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર સાથે કોઈ વાત કરવામાં નહીં આવે તો આંદોલનના આગામી તબક્કામાં NDAના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ઘેરાવામાં આવશે.

ખેડૂત નેતા યુધવીરસિંહે કહ્યું કે જો સરકાર તેમની માંગણીઓ માટે સહમત ન થાય તો ૬ જાન્યુઆરીએ દેશમાં ટ્રેકટર માર્ચ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલા ૫ ટકા મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકાર અન્ય મુદ્દાઓ પર વાત પણ કરી રહી નથી. આવી સ્થિતિમાં, આંદોલનને આગળ ધપાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

(10:36 am IST)