Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ખેડૂત આંદોલનથી દિલ્હી-NCRને ૨૭૦૦૦ કરોડનું નુકસાન : સપ્લાય ચેઇન વેર-વિખેર થઇ ગઇ

દિલ્હી આવતા અને દિલ્હીથી બહાર જતા ટ્રકો અટકી ગયા છે

નવી દિલ્હી તા. ૨ : કિસાન આંદોલનના કારણે દિલ્હી અને એનસીઆર રાજ્યોને અત્યાર સુધીમાં ૨૭ હજાર કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડયું છે. કેટે શુક્રવારે આ વ્યાપારિક નુકસાનનો અંદાજ જાહેર કર્યો છે.

નવા કૃષિ કાનુનો વિરૂધ્ધ દિલ્હીની બોર્ડરો પર ખેડૂતો એક મહિનાથી વધારે સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. તેના કારણે દિલ્હીને કેટલાય રાજ્યો સાથે જોડતા રસ્તાઓ બંધ છે. કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે પંજાબ અને હરિયાણાથી દિલ્હી આવતા માલના સપ્લાય પર બહુ ફરક પડયો છે. આ બંને રાજ્યોમાંથી વિભીન્ન વસ્તુઓના સપ્લાયને અસર થઇ છે.

તો, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાંથી દિલ્હી આવતા સામાનના સપ્લાય પર પણ ખરાબ અસર થઇ છે. બંને વેપારી નેતાઓએ કહ્યું કે, દિલ્હીમાં રોજના લગભગ ૫૦ હજાર ટ્રકો દેશના વિભીન્ન રાજ્યોમાંથી સામાન લઇને આવતા હોય છે. તો રોજના ૩૦ હજાર ટ્રક દિલ્હીથી સામાન ભરીને દેશના વિવિધ રાજ્યોમાં જતા હોય છે. ખેડૂત આંદોલનના કારણે આ આવક-જાવક પર બહુ અસર પડી છે. એટલે જેટલું જલ્દી સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થાય તેટલું સારૂ રહેશે.

કેટે કહ્યું છે કે કેટ અને ટ્રાન્સપોર્ટ સેકટરના સૌથી મોટા સંગઠન ઓલ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશનના સંયુકત પ્રયાસોથી જીવન જરૂરી ચીજોનો સપ્લાય અડચણ વગર ચાલુ રાખવા માટે કામ થઇ રહ્યું છે. તેના માટે અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં સામાન લઇને આવતા વાહનો હાઇવે છોડીને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પરથી ઘણા મોટા ચક્કર લગાવીને દિલ્હી આવવું પડે છે.

(11:39 am IST)