Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

આ દેશમાં એક ધર્મના લોકોને આપમેળે દેશભક્‍તિનું સર્ટિફીકેટ મળી જાયઃ આરએસએસના મોહન ભાગવતના નિવેદન મુદ્દે ઓવૈશીએ ટોણો માર્યો

નવી દિલ્હીઃ RSSના વડા મોહન ભાગવતના હિન્દુ દેશભકિત અંગેના નિવેદન સામે AIMIMના નેતા અસદ્દુદીન ઓવૈસીએ ટોણો માર્યો છે.

સરસંઘચાલક ભાગવતે કહ્યું કે કોઇ પણ હિન્દુ છે, તો તે દેશભક્ત જ હશે. હિન્દુ કોઇ પણ પરિસ્થિતિમાં દેશદ્રોહી ન હોઇ શકે, કારણ કે આ જ તેના મૂળમાં છે અને પ્રકૃતિ પણ છે.

સાથે ભાગવતે મહાત્મા ગાંધીએ કરેલી એક ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ગાંધીજી પણ માનતા હતા કે તેમની દેશભક્તિનો શ્રોત તેમનો ધર્મ જ છે.

અસદ્દુદીન ઓવૈસીએ ટ્વીટ કરી

સંઘના વડા ભાગવતની ટિપ્પણી સામે AIMIMના નેતા અને હૈદરાબાદના સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ ટ્વીટ કરી સવાલ કર્યો. ઓવૈસીએ પુછ્યું કે તમે ગાંધીજીના હત્યારા ગોડસે, દિલ્હી હિંસા, 1984ના શિખ વિરોધી રમખાણો અને 2002ના ગુજરાતના રમખાણો અંગે શું માનો છો?

RSS અજ્ઞાની અને વિચિત્ર વિચારધારા ધરાવે છેઃ ઓવૈસી

ઓવૈસીએ વધુમાં મોહન ભાગવતના નિવેદન અંગે જણાવ્યું કે આ RSSના અજ્ઞાન અને વિચિત્ર વિચારધારા દર્શાવે છે. કારણ કે મોચાભાગના ભારતીય ધર્મ અને પંથનો વિચાર કર્યા વિના દેશભક્ત છે.

ઓવૈસીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે આ દેશમાં એક ધર્મના લોકોને આપમેળે દેશભક્તિનું સર્ટિફિકેટ મળી જાય છે. જ્યારે અહીં બીજા ધર્મના લોકોનું સંપૂર્ણ જીવન પોતાને દેશભક્ત અને તેને પણ અહીં રહેવાનો અધિકાર છે, તે સાબિત કરવામાં લાગી જાય છે.

સંઘના વડાએ ગાંધી પરના પુસ્તકનું વિચોચન કર્યું

વાસ્તવમાં સંઘના વડા ભાગવતે આ વાત દિલ્હીમાં એક પુસ્તકના વિમોચનમાં કરી હતી.ગાંધીજી પર લખાયેલા અંગ્રેજીમાં લખાયેલા પુસ્તક મેકિંગ ઓફ અ હિન્દુ પેટ્રિયોટ- બેકગ્રાઉન્ડ ઓફ ગાંધીજીસ હિન્દુ સ્વરાજનું તેમણે વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે સંઘના વડાએ ગાંધીજી અંગે કહ્યું હતું કે, “મહાપુરુષોને કોઇ પણ પોતાની રીતે પરિભાષિત કરી શકે નહીં. તેમણે કહ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે હું પોતાના ધર્મને સમજીને સારો દેશભક્ત બનીશ અને લોકોને પણ એવું કરવા માટે કહીશ. તેથી જો ગાંધીને સમજવું હોય તો સ્વરાજને સમજતા પહેલાં સ્વધર્મને સમજવું પડશે.

(4:53 pm IST)