Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કોવિશિલ્ડ બાદ બીજી અને દેશની પહેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવાકિસનને મંજૂરી

વેક્સિન કોવાકિસનને મંજૂરી માટે એસઇસી પેનલ દ્વારા ભલામણ

નવી દિલ્હી : નવા વર્ષના આરંભે કોરોનાને ડામવાના મોરચે સરકાર હવે ગંભીર દેખાઈ રહી છે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દેશને કોવિશિલ્ડ બાદ બીજી અને દેશની પહેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવાકિસનને મંજૂરી માટે એસઇસી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે. આમ એક્સપર્ટ કમિટીએ તેને મંજૂરી આપી છે.

ભારત હાલમાં દુનિયામાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશોમાં બીજા નંબરનો દેશ છે. અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે, માટે દેશમાં સરકારે નવા વર્ષમાં રસીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ બાદ ભારત બાયોટેકની કોવાકસિનને પણ મંજૂરી માટે રેકમેન્ડ કરવામાં આવી છે. આમ એક્સ્પર્ટ પેનલ દ્વારા હાલમાં ભારતમાં કોરોના વાયરસની સામે બે રસીને મંજૂરી અપાઈ ચૂકી છે.

કોરોના મહામારીની સામે બે રસીને મંજૂરી આપનાર ગણ્યાગાંઠયા દેશોની હરોળમાં હવે ભારત સામેલ થઇ ગયું છે. મહત્વનું છે કે બ્રિટનમાં આની પહેલા બે રસી ફાઇઝર અને ઓક્સફોર્ડ અને અમેરિકામાં બે ફાઇઝર અને મોડર્નાની રસીને મંજૂરી મળી ચૂકી છે અને હવે ભારતમાં પણ સીરમની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવાકિસનને મંજૂરી મળી છે જેને ફાઇનલ એપ્રુવલ માટે રેકમેન્ડ કરાઇ છે.

(7:29 pm IST)