Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી

હરિદ્વાર કોર્ટમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાયો : આરએસએસ કાર્યકર્તા કમલ ભદૌરિયાએ આ કેસ દાખલ કરાવ્યો છે જેની સુનાવણી ૧૨ એપ્રિલે કરવામાં આવશે

નવી દિલ્હી, : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. થોડા દિવસ પહેલાં તેમને લોકસભાના સાંસદ પદે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા તો હવે હરિદ્વાર કોર્ટમાં તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરએસએસ કાર્યકર્તા કમલ ભદૌરિયાએ આ કેસ દાખલ કરાવ્યો છે. જેની સુનાવણી ૧૨ એપ્રિલે થશે. હરિવાર જિલ્લા તથા સત્ર ન્યાયાલયમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિતીય શિવ સિંહની અદાલતે મામલાનો સ્વીકાર કરી લીધો છે.

હકીકતમાં રાહુલ ગાંધી પર આ કેસ આરએસએસને આજના કૌરવ કહેવા અને પુરોહિતો વિરુદ્ધ આપેલા નિવેદન પર થયો છે. હરિવાર સીજેએમ કોર્ટને આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું કે ૯ જાન્યુઆરી ૨૦૨૩ના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક જનસભા દરમિયાન આરએસએસને આધુનિક યુગનું કૌરવ કહ્યું હતું. પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજના કૌરવ લાકડી લઈ અને હાફ પેન્ટ પહેરી રહે છે અને શાખા લગાવે છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર આરએસએસ કાર્યકર્તા કમલ ભદૌરિયાએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

પુરોહિતોવાળા નિવેદન પર પણ ભદૌરિયાએ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. અરજીમાં ભદૌરિયાએ કહ્યુ કે રાહુલે પુજારિયો અને સનાતનીઓને તોડનારું નિવેદન આપ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું કે દેશના વિવિધ મંદિરોમાં પૂજા કર્યા છતાં કોંગ્રેસ નેતાએ આ નિવેદન આપ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને કાયદાકીય નોટિસ ૧૧ જાન્યુઆરીએ મોકલવામાં આવી હતી. તેમાં આ નિવેદનને લઈને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

નોંધનીય છે કે થોડા સમય પહેલા મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ હતી. ત્યારબાદ તેમને લોકસભાના સાંસદ પદે અયોગ્ય ઠેરવી દેવામાં આવ્યા હતા. પરંતુ આ ચુકાદાને પડકારવા માટે તેમણે હજુ સુધી મોટી અદાલતમાં અપીલ કરી નથી. સુરત કોર્ટે રાહુલ ગાંધીને અપીલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો હતો.

 

(11:30 am IST)