Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પ્રથમ મેચમાં 5 વખત ચેમ્પિયન મુંબઈને 8 વિકેટથી મેચ હરાવી

મુંબઈએ બેંગ્લુરુને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો: બેંગ્લુરુએ 172 રનનો ટાર્ગેટ 16.2 ઓવરમાં 2 વિકેટે જ ચેઝ કરી લીધો: વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસે જ મેચને જિતાડી: બન્નેની ફીફટી: મુંબઈના તિલક વર્માની ફીફટી એળે ગઈ

મુંબઈ: આઈ.પી.એલની 16મી સીઝનનાં આજના બીજા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. બેંગ્લુરુને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. બેંગ્લુરુએ 172 રનનો ટાર્ગેટ 16.2 ઓવરમાં 2 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. RCB તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસે જ મેચને જિતાડી હતી. બન્નેએ તોફાની શરૂઆત અપાવી હતી. પાવરપ્લે સુધીમાં RCBનો સ્કોર વિના વિકેટે 53 રન હતો. આ પછી પણ બન્ને બેટર્સે સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. આ દરમિયાન કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે IPLની 26મી ફિફ્ટી ફટકારી હતી. બન્ને વચ્ચે 89 બોલમાં 148 રનની પાર્ટનરશિપ થઈ હતી. વિરાટ કોહલીએ પણ IPLની 45મી ફિફ્ટી ફટકારી હતી. IPL ડેબ્યૂ કરી રહેલા અર્શદ ખાને ફાફ ડુ પ્લેસીસને આઉટ કર્યો હતો. તો કેમરૂન ગ્રીને દિનેશ કાર્તિકને આઉટ કર્યો હતો. અંતે વિરાટ કોહલીએ છગ્ગો ફટકારીને ટીમને જિતાડી હતી. બેંગ્લુરુ તરફથી વિરાટ કોહલીએ 49 બોલમાં 82* રન ફટકાર્યા હતા, તો ફાફ ડુ પ્લેસીસે 43 બોલમાં 73 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્શદ ખાન અને કેમરૂનને 1-1 વિકેટ મળી હતી

(11:37 pm IST)