Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

આતંકી સંગઠન અલ કાયદાના આતંકવાદી અયમાન અલ-જવાહિરીની હત્યા બાદ ભારતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું !

દેશના અનેક સ્થળોએ આતંકી હુમલાની ધમકીઓ મળી, અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના 11 આતંકવાદીઓની પૂછપરછ શરૂ : સૂત્રો

નવી દિલ્લી તા.02 : અમેરિકાએ ડ્રોન સ્ટ્રાઈકમાં અલ કાયદાના ચીફ અલ જવાહિરીને ઠાર કર્યો છે. સાથે જ એ વાત પણ સામે આવી છે કે આ ઘર તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના નજીકનું છે. ત્યારે હવે ભારતમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દેશના અનેક સ્થળોએ આતંકી હુમલાની ધમકીઓ મળી છે.

અફઘાનિસ્તાનના કાબુલમાં આતંકવાદી સંગઠન અલ કાયદાના આતંકવાદી અયમાન અલ-ઝવાહિરીની હત્યા બાદ ભારતમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ આતંકી હુમલાના ખતરાને જોતા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ હાલમાં જ આસામમાંથી ઝડપાયેલા અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના 11 આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

દેશના અનેક સ્થળોએ આતંકી હુમલાની ધમકીઓ મળી છે. અલ-કાયદાના આતંકવાદી અયમાન અલ-ઝવાહિરીના ખાત્મા બાદથી તાલિબાન અને અલ-કાયદા સક્રિય થવાની આશંકા છે. અમેરિકાએ કાબુલમાં એક ઘર પર ડ્રોન હુમલામાં અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે તે બાલ્કનીમાં હતો.

એક રિપોર્ટ મુજબ તાલિબાન સિરાજુદ્દીન હક્કાનીનો પુત્ર અને જમાઈ પણ આ હુમલામાં માર્યા ગયા છે. જવાહિરી જે ઘરમાં છુપાયો હતો તે ઘર પણ હક્કાનીની નજીક હોવાનું કહેવાય છે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ભૂતકાળમાં અમેરિકા સાથે વાત કરી હતી. તેણે અમેરિકાને IMF પાસેથી ફંડ મેળવવાની અપીલ કરી હતી. આઈએસઆઈ ચીફ અગાઉ પણ અમેરિકા ગયા હતા. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બાતમીદારના કારણે જવાહિરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

 

(11:50 pm IST)