Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

દેશમાં વર્ષ ૨૦૧૯માં ૧.૫૪ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા ગયા : NCRB

૫૯.૫ ટકા માર્ગ અકસ્માત ગ્રામીણ વિસ્તારોમાં થયા જયારે ૪૦.૫ ટકા અકસ્માત શહેરી વિસ્તારોમાં થયા હતાં

નવી દિલ્હી, તા.૨: દેશમાં વર્ષ ૨૦૧૯માં ૪,૩૭,૩૯૬ માર્ગ અકસ્માત થયા હતા, જેમાં ૧,૫૪,૭૩૨ લોકો મૃત્યુ પામ્યા હતા જયારે ૪,૩૯,૨૬૨ અન્ય ઘાયલ થયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટામાંથી આ માહિતી બહાર આવી છે. આ મુજબ, ૫૯.૬ ટકા માર્ગ અકસ્માત 'હાઇ સ્પીડ' ડ્રાઇવિંગને કારણે થયા હતા, જેમાં ૮૬,૨૪૧ લોકો માર્યા ગયા હતા અને ૨,૭૧,૫૮૧ ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૮ માં ૧,૫૨,૭૮૦ જયારે વર્ષ ૨૦૧૭ માં ૧,૫૦,૦૯૩ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

NCRBના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૯ માં આકસ્મિક મૃત્યુની સંખ્યા ૪,૨૧,૯૫૯ હતી, જેમાં માર્ગ અકસ્માત, કુદરતી આફતો અને માનવ બેદરકારીના કારણે મૃત્યુનો સમાવેશ થાય છે. એ જ રીતે, વર્ષ ૨૦૧૮ માં આકસ્મિક કારણોસર ૪,૧૧,૧૦૪ લોકોનાં મોત થયાં હતાં, જયારે વર્ષ ૨૦૧૭માં  ૩,૯૬,૫૮૪ લોકોનાં મોત થયાં હતાં.

મળતી માહિતી મુજબ, માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પૈકીની ૩૮ ટકા ઘટનાઓ ટુ-વ્હીલર્સને લગતી હતા જયારે ટ્રક અથવા લોરી, કાર અને બસો સંબંધીત કેસો અનુક્રમે ૧૪.૬ ટકા, ૧૩.૭ ટકા અને ૫.૯ ટકા હતા. NCRBનાં જણાવ્યા અનુસાર, ખતરનાક અથવા બેદરકારીથી ડ્રાઇવિંગ અથવા ઓવરટેકિંગ કરવા સંબંધિત ૨૫.૭ ટકા કેસો છે, જેના પગલે ૪૨,૫૫૭ લોકો મૃત્યુ પામ્યા અને ૧,૦૬,૫૫૫ ઇજાગ્રસ્ત થયા. આ રિપોર્ટ અનુસાર, માત્ર ૨.૬ ટકા માર્ગ અકસ્માત ખરાબ હવામાનની સ્થિતિને કારણે થયા હતા.મળતી માહિતી મુજબ ૫૯.૫ ટકા માર્ગ અકસ્માત ગ્રામીણ વિસ્તારોમાં થયા જયારે ૪૦.૫ ટકા અકસ્માત શહેરી વિસ્તારોમાં થયા હતાં. NCRBનાં વાર્ષિક આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૯ માં રેલવેને લગતા કુલ ૨૭,૯૮૭ અકસ્માતો નોંધાયા હતા, જેમાં ૩,૫૬૯ લોકોનાં મોત અને ૨૪,૬૧૯ લોકો ઘાયલ થયા હતા. એ જ રીતે ગયા વર્ષે રેલ્વે ક્રોસિંગના ૧,૭૮૮ અકસ્માતો નોંધાયા હતા, પરિણામે ૧,૭૬૨ મૃત્યુ અને ૧૬૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ ઉત્ત્।ર પ્રદેશમાં સૌથી વધુ આવા અકસ્માતો (૧,૭૮૮ માંથી ૮૫૧) નોંધાયા છે.

(11:06 am IST)