Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના વાયરસ

WHOની ગાઇડલાઇન અને ૨૦૦૦ વર્ષ પહેલા જૈન ગ્રંથોમાં આપેલા ઉપદેશોમાં સમાનતા

હજારો વર્ષ પૂર્વે જૈન ગ્રંથોમાં ચેપી રોગ સામે કઇ રીતે બચવું તેની વિગતો અંકિત છે

નવી દિલ્હી, તા.૨: ચેપગ્રસ્ત વ્યકિતને ખુલ્લા હાથથી સ્પર્શ કરશો નહીં, જો તમારે સ્પર્શ કરવાની જરૂર હોય તો મહેરબાની કરીને તમારા હાથ સતત ધોતા રહો. ચેપગ્રસ્ત વ્યકિતને અલગ કરી આઈસોલેટ કરો જેથી ચેપની શકયતા ઘટાડી શકાય. તેમજ આવા સંક્રમિત વ્યકિતથી અંતર જાળવવું. કોવિડ મહામારીને પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા અપાયેલા મુખ્ય આરોગ્ય સલાહ સલાહ પૈકી એક છે. પરંતુ આ સલાહ - જૈન સાધુ અને સાધ્વીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલ એક જૈન ગ્રંથમાં આશરે ૨,૪૦૦ વર્ષ પહેલા જ આપવામાં આવી હતી.

જૈન મુનિ અજિતચંદ્રસાગરે કહ્યું કે જૈન ધર્મના એક આગમ નિયર્િુકત સૂત્રનો અભ્યાસ કરવા દરમિયાન તેમને ૧૪ થી ૧૯ પદ વચ્ચે આ જાણવા મળ્યું હતું.

તે જમાનામાં પણ આ આગમના લેખક ભદ્રબાહુ સ્વામીએ આરોગ્યના જોખમો સામે નવા સાધુઓ અને સાધ્વીઓને સલાહ આપી હતી. શહેરના વૈદ્ય પ્રવીણ હિરપરાએ જણાવ્યું કે પ્રાચીન શાસ્ત્રોમાં કોઈ મહામારી વિશે માહિતી નથી પરંતુ આયુર્વેદથી સંબંધિત ગ્રંથોમાં જનપદોધ્વંસનો ઉલ્લેખ જોવા મળે છે - જેનો અર્થ છે પ્રાચીન ભારતના સંપૂર્ણ જનપદનો નાશ કરી શકે તેવા રોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ચેપગ્રસ્ત લોકોને અલગ રૂમમાં રાખવું જોઈએ. 'જો તે શકય ન હોય તો, તે વ્યકિતને ઓરડાના ખૂણામાં રાખવું જોઈએ અને કપડાના પડદાથી ઢાંકીને રાખવા જોઈએ.' તે કહે છે.

શાસ્ત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચેપગ્રસ્ત વ્યકિત જે માર્ગ પરથી પસાર થાય છે અન્ય લોકો દ્વારા તે માર્ગ પરથી પસાર થવું જોઈએ નહીં. તેમજ ચેપગ્રસ્ત વ્યકિતની નજીક કોઈએ વધુ સમય ઉભા રહેવું જોઈએ નહીં. 'જો ચેપગ્રસ્ત સાધુ મૃત્યુ પામે તો તેમનો તમામ સામાન તત્કાલ નિકાલ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કોઈ અન્ય સાધુ દ્વારા ન કરવો જોઇએ,' તે વધુમાં કહે છે કે સંન્યાસીઓને એવા દ્યરોમાંથી કે જયાં કોઈ વ્યકિત આવા ચેપગ્રસ્ત રોગનો શિકાર બન્યો હોય ત્યાંથી પાણી ન પીવાની અથવા ખોરાક ન લેવાની સલાહ આપવામાં આવી છે. આ સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રવાહી અથવા મીઠાવાળા ખોરાક, ઉનના વસ્ત્રો અને લોખંડના બનેલા વાસણોનો સ્પર્શ ન કરવો જોઈએ. તેના પર લાંબા સમય સુધી ઇન્ફેકશન રહેતું હોય છે.'

મુનિ ત્રૈલોકયમદનવિજયે કહ્યું હતું કે 'સોશિયલ ડિસ્ટન્સિંગ' શબ્દ આજની દુનિયામાં અસ્તિત્વમાં આવ્યો તે પહેલાથી જ શાસ્ત્રમાં ચેપગ્રસ્ત વિસ્તારોમાં સાધુઓ અને સાધ્વીઓને ત્રણથી વધારેના જૂથમાં વિહાર(મુસાફરી) ન કરવા અંગે સલાહ આપવામાં આવી છે.

'મેં આ થોડાં વર્ષો પહેલાં વાંચ્યું હતું, પરંતુ જયારે WHOએ કોરોનાને લઈને દિશા નિર્દેશો જાહેર કર્યા ત્યારે અમને બે હજાર વર્ષ પહેલાં જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તેમાં અને આ એડવાઇઝરીમાં સમાનતા જોવા મળી, તેમણે ઉમેર્યું કે, આ બાબતનો કોઈ ખાસ ધર્મ સાથે વિશેષ સંબંધ નથી. પરંતુ આપણે એક સમાજ તરીકે મહામારીની સમસ્યાઓથી અજાણ નથી અને આપણે જાણીએ છીએ કે તેને કેવી રીતે નિયંત્રિત કરવું.

(11:11 am IST)