Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મેલાનિયા ટ્રમ્પની સાથે કામ કરવું સૌથી મોટી ભૂલઃ સ્ટેફની

સ્ટેફનીએ લખેલા પુસ્તકમાં એક્સ ફ્રેન્ડ વિશે ઘટસ્ફોટઃ સ્ટેફની વ્હાઈટ હાઉસના ઓનરરી સલાહકાર હતા પરંતુ તે વેળા તેમને નાણાંકીય ભૂલ માટે દોષિત ઠેરવાયા હતા

વૉશિંગ્ટન, તા. ૨ : મેલાનિયા ટ્રમ્પના મિત્ર અને પૂર્વ સલાહકાર સ્ટેફની વિંસ્ટન વૉલ્કૉફે ટ્રમ્પ સાથે કામ કરવાની બાબતને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી છે. સ્ટેફનીએ પોતાના પુસ્તક મેલાનિયા એન્ડ મીઃ ધ રાઈઝ એન્ડ ફૉલ ઑફ માઈ ફ્રેન્ડશિપ વિધ ધ ફર્સ્ટ લેડીમાં ઘણાં વિષયો પર લખ્યું છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર માટે કામ કરવું મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. સ્ટેફનીએ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી વ્હાઈટ હાઉસમાં મેલાનિયાના સલાહકાર તરીકે કામ કર્યુ હતું. તેઓ વ્હાઈટ હાઉસના ઓનરરી સલાહકાર હતા પરંતુ તે દરમિયાન તેમને નાણાંકીય ભૂલ માટે દોષી ઠેરવાયા હતા. સ્ટેફનીએ પોતાના પુસ્તકમાં મેલાનિયા વિશે કહ્યું કે, તેઓ વાસ્તવમાં મારા મિત્ર નહોતા. કાશ હું તેમને ક્યારેય મળી જ ના હોત. તેમણે કહ્યું કે તેઓ ન્યુયોર્ક સ્થિત એક ઈવેન્ટ પ્લાનરમાં મેલાનિયાને મળ્યા હતાં. સ્ટેફનીએ પોતાના પુસ્તક મેલાનિયા એન્ડ મીઃ ધ રાઈઝ એન્ડ ફૉલ ઑફ માઈ ફ્રેન્ડશિપ વિધ ધ ફર્સ્ટ લેડીમાં તેમના વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તેમના અનુસાર મેલાનિયા પહેલા તેમના ઘણા સારા મિત્ર હતા, જેમની સાથે તેઓ હંમેશા તમામ વાતો શેર કરતા હતા.

વૉલ્ફૉફે વોગ પત્રિકા માટે કામ કર્યુ છે અને લગભગ એક દાયકા સુધી ન્યુયોર્ક સિટીમાં પ્રતિષ્ઠિત મેટ બૉલની યોજના બનાવવામાં પણ મદદ કરી છે. સ્ટેફની પહેલીવાર મેલાનિયા સાથે ત્યારે મળી હતી જ્યારે તે વર્ષ ૨૦૦૩માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડેટિંગ કરી રહી હતી. સ્ટેફની જાન્યુઆરી ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમોના પ્રમુખ સંચાલકોમાના એક હતા. જે બાદ જ તેઓ તેમના એક વિશ્વસનીય સલાહકાર બની ગયા. પુસ્તક અનુસાર સ્ટેફનીને નાણાંકીય ભૂલ માટે દોષી ઠેરવવામાં આવ્યા જેના કારણે બંનેના સંબંધો બગડી ગયા  હતા. પુસ્તકમાં સ્ટેફનીએ મેલાનિયા અને ઈવાક્નાના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. સ્ટેફનીએ કહ્યું કે જ્યારે અમારી મિત્રતા સારી હતી ત્યારે તેઓ ઈવાક્ના વિશે મને વાત કરતા હતા. જેમાં તેઓ હંમેશા પોતાની દિકરીની ફરિયાદ કરતા હતા. તેઓ હંમેશા તેને પોતાનાથી ઓછુ આંકતા હતા અને એટલી ઈજ્જત પણ આપતા નહોતા જેટલાની ઈવાક્ના હકદાર હતી. મેલાનિયાને એ વાત ખટકતી હતી કે ઈવાક્નાના કારણે તેમને મીડિયામાં ઓછું કવરેજ મળે છે.

(9:28 pm IST)