Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૨૪ કલાકમાં દેશમાં બ્રાઝિલ, અમેરિકા કરતાં વધુ કેસ થયા

૭૮૩૫૭ કેસ,૧૦૪૫ મોત સાથે કોરોના કહેર જારીઃ ૨૪ કલાકમાં ૬૨૦૨૬ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ્ય થયા, આ સાથે આંકડો વધીને ૨૯૦૧૯૦૮ સુધી પહોંચી ગયો

નવી દિલ્હી, તા. ૨ : ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે સૌથી વધારે કેસોના મામલામાં આગામી થોડા દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ કોરોનાગ્રસ્તો ધરાવતો દેશ બની જશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાતા કોરોનાના કેસના મામલે ભારતે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ છોડી દીધું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૭ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૭૮૩૫૭ કેસ નોંધાતા કુલ આંકડો ૩૭,૬૯,૫૨૩ સુધી પહોંચી ગયો છે. ૨૪ કલાકમાં ૧૦૪૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૦૨૬ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૯૦૧૯૦૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.

આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૬૩૩૩ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૮૦૧૨૮૨ એક્ટિવ કેસ છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૫૭૪૦૭૦૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૫૬૬૨૩ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૭૦૬૪૧૦૪ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૮૧૯૯૭૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

 

(9:39 pm IST)