Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

નશાખોર પોલીસની સાથે પોતાની જાતને શોધતો રહ્યો

પત્નીએ પોલીસમાં મિસિંગનો રિપોર્ટ લખાવ્યો હતો : શખ્સ દારૂ પીને ખોવાઈ ગયો અને જંગલમાં ભટકવા લાગ્યો જ્યાં પોલીસ કોઈક ખોવાયેલા શખ્સને શોધતી હતી

અંકારા , તા. : તુર્કીમાં એક વ્યક્તિ ખોવાઈ ગયો અને જંગલમાં ભટકવા લાગ્યો. નશામાં ચૂર વ્યક્તિ તે લોકો સાથે શામેલ થઈ ગયો જે એક લાપતા વ્યક્તિને શોધી રહ્યા હતા. ત્યારપછી ખબર પડી કે, સર્ચ ઓપરેશન તે વ્યક્તિ માટે ચાલી રહ્યુ હતું. મોડી રાત સુધી જ્યારે તે વ્યક્તિ ઘરે ના ગયો અને કલાકો સુધી તેનો કોઈ સંપર્ક ના સાધી શકાયો તો ૫૦ વર્ષીય બેહાન મુટલૂના પત્નીએ પોલીસમાં મિસિંગ રિપોર્ટ ફાઈલ કરાવ્યો હતો. તુર્કીના બુર્સા વિસ્તારના ઈનેગોલ શહેર નિવાસી મુટલૂને કોઈ જોખમ નહોતું. વાસ્તવમાં તેમણે પોતાના મિત્રો સાથે ખૂબ દારૂ પી લીધો હતો અને નશામાં ચૂર થઈને ચાલતા ચાલતા જંગલ તરફ નીકળી ગયા હતા. લાંબા સમય સુધી તેમનો સંપર્ક ના સાધી શકાયો તો તેમના મિત્રો અને પત્નીએ મળીને શોધવાની શરુઆત કરી.

ગાઢ જંગલમાં હરતા ફરતા મુટલૂને એક ટીમ મળી જે કોઈ લાપતા વ્યક્તિની શોધ કરી રહી હતી. મુટલૂએ નિર્ણય લીધો કે તે પોલીસને સર્ચ ઓપરેશનમાં મદદ કરશે. કોઈને પહેલા તો ખબર ના પડી કે અભિયાન જેની માટે ચાલી રહ્યું છે તે વ્યક્તિ સાથે હાજર છે. નશામાં ચૂર વ્યક્તિએ કલાકો સુધી પોતાને શોધ્યો. ત્યારપછી ખબર પડી કે મુટલૂની મિસિંગ રિપોર્ટ નોંધાવવામાં આવી હતી. જ્યારે સર્ચ ઓપરેશનની એક ટીમે જંગલમાં જોરથી તેના નામની બૂમ પાડી ત્યારે આખી વાતનો ખુલાસો થયો. પોતાનું નામ સાંભળીને મુટલૂ પોલીસ પાસે ગયો અને કહ્યું કે, જણાવો શું થયુ? ત્યારપછી આખી વાતનો ખુલાસો થયો. મુટલૂએ પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન નોંધાવ્યુ ત્યારપછી અધિકારીઓએ તેને ઘરે પહોંચાડ્યો. રિપોર્ટ અનુસાર, મુટલૂને ડર હતો કે દારુ પીધો હોવાને કારણે તેનો પરિવાર ક્યાંક નારાજ ના થઈ જાય.

(8:09 pm IST)