Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું - '2017 થી મેં પંજાબમાં તમામ ચૂંટણીઓ જીતી. જનતાએ મારા પરનો વિશ્વાસ ગુમાવ્યો નથી

કોંગ્રેસના નેતા સુરજેવાલાના નિવેદન બાદ કેપ્ટન અમરિંદર સિંહે પણ વળતો જવાબ આપ્યો

નવી દિલ્હી :કેપ્ટન અમરિંદરે કોંગ્રેસ છોડવાની જાહેરાત કર્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. પાર્ટીના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ દાવો કર્યો છે કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા નથી. સુરેજાવાલના જણાવ્યા અનુસાર, 78 ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવાની માંગ કરી હતી. સુરજેવાલાએ આ તે સમયે કહ્યું, જ્યારે અમરિંદર સિંહે તાજેતરમાં પંજાબની ખુરશી છોડી આપી છે. અને અમરિંદર સિંહે કહ્યું કે પાર્ટી નેતૃત્વએ તેમને અપમાનિત કર્યા છે. અમરિંદર સિંહની જગ્યાએ હવે પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા છે. ગત મહિને ચરણજીત સિંહ ચન્નીના નામ પર પક્ષની ધારાસભ્ય દળની બેઠકમાં મહોર લાગી હતી.

કોંગ્રેસના મહાસચિવ સુરજેવાલાએ કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી તેમના ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવે છે, ત્યારે તેમણે પદ પર ચાલુ ન રહેવું જોઈએ. મીડિયા સાથે વાત કરતા સુરેજાવાલે કહ્યું કે, "પંજાબના 79 ધારાસભ્યોમાંથી 78 એ મુખ્યમંત્રીને બદલવા માટે લખ્યું હતું. કેપ્ટન પર ધારાસભ્યોએ આરોપો લગાવ્યા હતા, તો શું આપણે મુખ્યમંત્રી બદલવા ન જોઈએ? 78 ધારાસભ્યો એક બાજુ અને એક મુખ્યમંત્રી એક બાજુ છે.

સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, 'સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ છે અને તેમણે પંજાબમાં સીએમ બદલવાનો નિર્ણય લીધો નથી. 78 ધારાસભ્યોએ મુખ્યમંત્રી બદલવા અંગે લખ્યું હતું. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ છોડી દેશે કારણ કે, વરિષ્ઠ નેતાઓ તેમની અવગણના કરી રહ્યા છે.

જોકે, કોંગ્રેસના નેતા સુરજેવાલાના આ નિવેદન બાદ કેપ્ટન અમરિંદર સિંહે પણ વળતો જવાબ આપ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, '2017 થી મેં પંજાબમાં તમામ ચૂંટણીઓ જીતી છે. જનતાએ મારા પરનો વિશ્વાસ ગુમાવ્યો નથી. સમગ્ર રમત નવજોત સિંહ સિદ્ધુ અને તેના સહયોગીઓ દ્વારા રચવામાં આવી હતી. ખબર નથી કે, તે લોકો હજુ પણ નવજોત સિંહ સિદ્ધુને શા માટે આદેશ આપવા દે છે.

(9:10 pm IST)