Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજસ્થાન -સંબોધિ ઉપવનમાં દિપાવલી શિબિર

નાથદ્વારાથી ૫૦ કિમી દૂર ૨૫ એકરમાં પ્રકૃતિથી છલકતુ સાધના તીર્થ : ૯૩ વર્ષીય સિધ્ધસંત પૂ. શુભકરણજીના સાનિધ્યમાં ધ્યાન-યોગ-પ્રાણાયામ - મંત્ર પ્રયોગો થશેઃ શ્રુતપ્રજ્ઞજીના પુસ્તકના વિમોચનનું પણ આયોજન : આધ્યાત્મિક -સાત્વિક માહોલમાં શિબિર

 રાજકોટ,તા. ૨: રાજસ્થાનમાં, નાથદ્વારાથી માત્ર ૫૦ કિલોમીટર દૂર ઉદયપુર અજમેર હાઇવે પર ઘાનીનની સામે આવેલ સાધનાની એક દિવ્ય તપોભૂમિ એટલે 'સંબોધિ ઉપવન ધ્યાન કેન્દ્ર.'અહીં છેલ્લા પચાસ વર્ષથી સાધનમગ્ન છે એક જૈન ફકીર સંત શ્રી શુભકરણજી, જેમનીશારીરિક અવસ્થા ૯૩ને પાર કરી ચૂકી છે. સંતશ્રીના વીતરાગ સાધનાનાં દિવ્ય તેજથી આ તપોભૂમિ પ્રકાશિત છે.આ પરિસરમાં આવીને અનેક લોકોએ સાધનાની અલખ જગાવી છે. ૨૫ એકરમાં ફેલાયેલા આ વિશાલ પ્રકૃતિથી સમૃદ્ઘ પરિસરમાં ઁકાર નિલયમ અને હ્રીમકાર નિલયમ બે મંત્રજાપ માટેના ધ્વનિ પ્રભાવિત ગુંબજ છે, જયાં મંત્રોની અસર તરત મહેસૂસ કરી શકાય છે. તેનીબાજુમાં જ પિરામિડ આકારની ધ્યાન કુટિર છે જેમાં સંતશ્રીએ વર્ષો સુધી ધ્યાન સાધના કરેલી છે. તેની બાજુમાં સૌરભઈ નામની ગૌશાળા છે, જયાં સાધકોને ગાયનું ફ્રેશ દૂધ ઉપલબ્ધ કરવામાં આવે છે.સંબોધિ ઉપવન ધ્યાન, મૌન, જાપ, ભકિત અને આધ્યાત્મિક જાગૃતિનું ઉર્જાથી ધબકતું કેન્દ્ર છે.સાધકોને રહેવા માટે સાધક નિવાસના ૧૫ થી રૂમ છે. સાધકોને સાત્વિક ભોજન માટે તૃપ્તિશાળા છે. પરિસરમાં અને આજુ બાજુમાં ખૂલ્લું પરંતુ હરિયાળું અને રળિયામણું જંગલ છે જયાં સાધકો વોક કરવા જાય છે. ટ્રેકિંગ કરવા માટે ખૂબ વિશાળ પહાડો છે.

સંબોધિ આશ્રમની બાજુમાં જ સુંદર નદી વહે છે જયાં સાધકો સાંજે જમીને ટહેલવાજાય છે. બહુ મજાની વાતએ છે કે આ આશ્રમ કોમર્શિયલ નથી, અહીં કોઈ ચોક્કસ કે નિર્ધારિત ચાર્જ નથી. આપની મોજ અને ભાવના પ્રમાણે યોગ્ય લાગે તે સહયોગ કરી શકો છો. આપણા ગુજરાતીઓ શ્રીનાથજીના દર્શનાર્થ નિયમિત જાય છે, એ લોકો પણ આ પવિત્ર તપોભૂમિનો લાભ લઇ શકે છે.અત્યંત સરળમના અને સંબોધિના પ્રેરણાસ્ત્રોત સંતશ્રીના સાનિધ્યમાં નિયમિત ધ્યાન - સત્સંગ અને પ્રાર્થનાના કાર્યક્રમો ચાલે છે. પ્રાર્થનાથી મનોબળ દ્રઢ બને છે. સત્સંગથી જીવમાં વૈરાગ્યભાવ જાગે છે અને મન વિશેષરૂપે શાંત થાય છે.

ધ્યાનથી સ્વ-પરિવર્તન દ્વારા આત્માની અનુભૂતિ કરી શકાય છે. આત્મસ્થ સંતશ્રીનું કહેવું છે કે - લોકોને બદલવા ખૂબ જ કઠિન છે. કેમકે આખું જગત અર્થ અને ભોગ પ્રધાન થઇ ચૂકયું છે. પડતા કાળનો પણ દુષ્પ્રભાવ છે. સદગુરુની કરુણા, પરમાત્માની કૃપા અને પોતાના સમ્યક પુરુષાર્થ વગર આ જીવનું કલ્યાણ અસંભવ છે. આજે ધર્મના નામે માણસ સાચા ધર્મથી દૂર ગયો છે અને ધર્મના વાડાઓમાં પૂરાઈ ગયો છે. બુદ્ઘિશાળી કહેવાતા લોકો સાચા ધર્મને માનતા નથી અને સામાન્ય માણસોધર્મને અંધશ્રદ્ઘાથી પકડે છે. આ બંને ધર્મથી દૂર છે. પોતાની ધ્યાનમસ્તીમાં રહેનાર સંતશ્રી શુભકરણજી મ.સા. આગળ કહે છેઃ એકાંત, મૌન, જાગૃતિ અને ધ્યાન આ જીવના કલ્યાણના સાચા હેતુ છે. કબીર, દાદુ, મીરાં, બુદ્ઘ, મહાવીર, કૃષ્ણ, આ મહાપુરુષને આજે પણ આપણે સમજી શકયા નથી, એ આપણા દુઃખનું કારણ છે.કોરોનાની આ મહામારી પછી હવે જીવે પોતાના જીવનનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય એ વિચારવું પડશે. ધ્યાન આત્માનુભૂતિનો પ્રાયોગિક માર્ગ છે. રાજસ્થાનના મેવાડ પંથકની સાધના ભૂમિમાં આપ સૌનું સ્વાગત છે.

દિવાળીમાં વિશેષ સાધના શિબિરનું આયોજન

કોરાનાનાં આ કઠિન સમયમાં ઘણા તીર્થસ્થાનો બંધ છે ત્યારે આ તપોભૂમિ સાધના માટે દિવાળીના પ્રસંગે સાધના અને ભકિત માટે સૌને આવકારે છે. હાલે રાજકોટ, પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ અને ધ્યાન યોગના સાધક સમણ શ્રુતપ્રજ્ઞજી પણ સંતશ્રીના સાન્નિધ્યમાં સાધનારત છે. બહારથી આવનાર સાધક-સાધિકાઓને એમનો પણ પૂરેપૂરો મળશે.દિવાળીના પવિત્ર દિવસોમાં સંતશ્રીના સાનિધ્યમાં અને શ્રુતપ્રજ્ઞજીના સંચાલન હેઠળ નવેમ્બરની તા.૧૩, ૧૪, ૧૫( શુક્રવારથી રવિવાર)ના ત્રણ દિવસ દિવાળીની વિશેષ શિબિરનું આયોજન કરેલ છે. જેમાં સાધકોને ધ્યાન, યોગ - પ્રાણાયામ, મંત્ર જાપ અને આરોગ્યના વિવિધ પ્રયોગો કરાવવામાં આવશે. સંતશ્રીની ઉર્જાનો અને જ્ઞાન-ધ્યાનનો પૂરેપૂરો લાભ મળશે.આ પાવન પ્રસંગે પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત અને સમણ શ્રુતપ્રજ્ઞજી દ્વારા સંકલિતએક વિશેષ પુસ્તકનું સંતશ્રીના કારકમલો દ્વારા વિમોચન થવાનું છે. એ પુસ્તકનું નામ છે - 'પ્રેરણાનાં પગથિયાં'. ૧૨૮ પાનાના આ પુસ્તકમાં દેશ અને દુનિયાના ૩૯ લેખકોના પોતાના જીવનના અનુભવો પોતાની શૈલીમાં આલેખાયેલા છે. બીજા પણ અનેક કાર્યક્રમો છે. આવવાની ઇચ્છા ધરાવનારે તાત્કાલિક ફોનથી સંપર્ક કરી પોતાનું રિઝર્વેશન કરાવી લેવાની સંબોધિ ઉપવનના ટ્રસ્ટીઓની યાદીમાં જણાવવામાં આવે છે. વધારે વિગતો માટે મો. ૯૯૯૮૬ ૨૧૦૪૫ (કાનજીભાઇ) , ૯૪૨૭૩ ૬૬૧૬૪ (પીસ ઓફ માઇન્ડ ) નંબરો પર સંપર્ક થઇ શકે છે. (૨૨.૩૦)

પુસ્તક : પ્રેરણાના પગથિયાં

. પુસ્તકનું નામઃ પ્રેરણાનાં પગથિયાં

( ૩૯ લેખકોના જીવન અનુભવો )

. પ્રકાશનઃ પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટ

.સંકલનઃ સમણ શ્રુતપ્રજ્ઞજી

.પાનાં :૧૨૮

. મૂલ્ય - રૂ. ૧૫૦/- ( દિવાળી પર ૪૦% વળતર )

. પ્રાપ્તિ સ્થાનઃ આભાવલય, વિનાયક વાટિકા, માધાપર એ સ્ટોપ સામે, જામનગર રોડ, રાજકોટ - ૩૬૦૦૦૬

સંપર્ક :૯૪૨૭૩ ૬૬૧૬૪

આવા શુભ આશયથી 'પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન' સંસ્થાએ એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં લોકોને ઓપન આમંત્રણ આપ્યું છે કે તમે કંઈક લખો.તમારૂ ચિંતન અને અનુભવ મોકલો, અમે એ લખાણને પ્રકાશિત કરીશું. પરિણામે આ પુસ્તક 'પ્રેરણાનાં પગથિયાં' બની આપનાસુધી પહોંચી રહ્યું છે. દ્યણા લોકોમાં લેખનકળા છુપાયેલી હતી પરંતુ લેખાનુભૂતિ ન હતી.આ લેખનથી તેઓને લેખાનુભૂતિ થઈ તેનો અમને આનંદ છે. હવે આ અભિયાનને વેગવંતુ કરવાનો સમય છે. આ પુસ્તક થકી લેખકો 'પ્રેરણાનાં પગથિયાં'પર તો ચડી ચૂકયા છે, પરંતુ એ દિશામાં હજુ આગળ વધવાનું છે. કેમકેમંઝીલ હજુ દૂર છે. એટલે પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના નેજા હેઠળ આ લેખકોની જે ટીમબની છે, એ પોતપોતાના ક્ષેત્રમાં વિચારક્રાંતિનું કાર્ય કરશે.આ પુસ્તકમાં પસંદગી પામેલા૩૯ નવા અને અનુભવી લેખકોના પોતાના જીવન સાથે જોડાયેલા પ્રસંગો અને અનુભવો આધારિતપ્રેરક લેખોનું સંકલન છે. આ પુસ્તકના સંકલકર્તા સમણ શ્રુતપ્રજ્ઞજી છે અને આપીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ૭૪ મુંપુસ્તક છે.

(2:42 pm IST)