Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દેવું ચૂકવવા યુવકે યુવતીને ફસાવી ૮૫ લાખ પડાવ્યા

મધ્ય પ્રદેશના એક યુવકનું ભયાનક કૃત્ય : ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં, યુવકને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો

ગ્વાલિયર , તા.૨ : મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક યુવકનું ભયાનક કૃત્ય સામે આવ્યું છે. ગ્વાલિયરમાં એક યુવકે પોતાનું ૯૨ લાખનું દેવું ચૂકવવા માટે એક વેપારીની પુત્રીને જાળમાં ફસાવીને ૮૦ લાખના દાગીના પડાવ્યા હતા. આ ઉપરાંત યુવકે તેની પાસેથી ૫ લાખ રૂપિયા રોકડા પણ લીધા હતા. જો કે, યુવતીએ પરિવારને લૂંટની વાત જણાવી થાટીપુર પોલીસમાં લૂંટની ફરિયાદ પણ નોંધાવી હતી.

ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવીને યુવકને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાટીપુર વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રમેશ ગર્ગની પુત્રી રાશિ તેના પરિવારના સભ્યો સાથે ૨૩ ઓક્ટોબરના રોજ થાટીપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી કે, તે ઘરમાં એકલી હતી ત્યારે અવનીશ દુબે તેના ઘરમાં ઘુસી ગયો હતો.

તે હથિયારના જોરે ઘરમાં રાખેલા ૮૦ લાખના દાગીના અને ૫ લાખની રોકડ લૂંટીને ભાગી ગયો હતો. રાશિની ફરિયાદના આધારે થાટીપુર પોલીસે આરોપી અવનીશ દુબે વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધ્યો હતો. આ પછી પોલીસે સોમવારે જ્યારે આરોપી અવનીશને પકડ્યો તો વાત કંઈક અલગ જ રીતે બહાર આવી છે.

અવનીશે જણાવ્યું કે શેરબજારમાં ઘાટો થવાને કારણે તેના પર ૯૨ લાખ રૂપિયાનું દેવું હતું. આરોપીએ જણાવ્યું કે આ રકમ ચૂકવવા માટે તેણે રાશિને વિશ્વાસમાં લઈને ધીરે ધીરે તે રાશિના ઘરમાં રાખેલા સોનાના દાગીના લઈ ગયા હતા. આ ઉપરાંત ?૫ લાખ રોકડા પણ લીધા હતા. અવનીશે આ સોનાના દાગીના ગીરવે મૂકીને રોકડ રકમ મેળવી હતી.

કાર્યવાહી કરીને પોલીસે અત્યાર સુધીમાં ૧ કિલો ૨૨૭ ગ્રામ સોનું અને ૭૬ ગ્રામ હીરાના દાગીના જપ્ત કર્યા છે. આ સાથે પોલીસ હજુ પણ બાકીનો માલ રિકવર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે

(7:44 pm IST)