Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઉતર ભારતમાં ઠંડી વધશે

યુપી-રાજસ્થાનમાં વરસાદ : ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતના આણંદ-ભરૂચ-નવસારી-વલસાડ-અમરેલી-ભાવનગરમાં આજે યેલો એલર્ટ

નવી દિલ્હી,તા. ૨ : ભારતીય હવામાન ખાતાએ આજે જાહેર કરેલ પોતાના પૂર્વાનુંમાનમાં યુપી અને રાજસ્થાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન દર્શાવ્યુ છે. સાથે ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના લીધે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં આજે યલો એલર્ટ અપાયુ છે.

ઉપરાંત માછીમારોને પણ દરીયો ન ખેડવા સુચના જાહેર કરાઇ છે. જ્યારે દિલ્હીમાં આજે આંશીક રૂપે વાદળો છવાયેલા રહેશે. અને વરસાદની પણ શકયતા છે. લઘુતમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઇ શકે છે. પર્વતીય વિસ્તારોમાં હિમપાતની સંભાવના બનતા દિલ્હીમાં ઠંડી વધશે.

હવામાન ખાતા મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણિ રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. યુપીમાં આવતા બે દિવસની અંદર કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમ્મુ-કાશ્મીર, લડાખ, ઉતરાખંડ અને હિમાચલમાં હિમપાત થઇ શકે છે.

પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડી ઝડપથી વધશે. હવામાન વિભાગે તામિલનાડુ, પોડીચેરી, કરાઇકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપ ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવ્યું છે.

હવામાન વિભાગે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જીલ્લામાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. આ સિવાય પશ્ચિમી મધ્યપ્રદેશ પૂર્વી રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી યુપીમાં પણ વરસાદ થઇ શકે છે. દેશના ઘણા રાજ્યોમાં વરસાદ બાદ ઠંડી  વધી ગઇ છે.

ઉતર ભારતમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્સબન્સના કારણે દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, એમપીમાં કયાંક કયાંક વરસાદની શકયતા છે. મહારાષ્ટ્ર અને ઉતર કોંકણ સહિત ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આંધ્ર અને ઓડીશાના તટો સાથે એક ચક્રવાતી તોફાન ટકરાવાની શકયતા છે.

(2:38 pm IST)