Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

સરકાર પુલ બનાવે, દીવાલ નહી : રાહુલ ગાંધીના પ્રહાર

બે માસથી આંદોલન કરતા ખેડૂતો પર પોલીસની કડકાઈ : ખેડૂતોની ચક્કાજામની જાહેરાત બાદ પોલીસના પગલાં સામે કોંગ્રેસના નેતા રાહુલએ સરકાર પર નિશાન તાક્યું

નવી દિલ્હી, તા. : દિલ્હી બોર્ડર્સ પર છેલ્લા બે મહિનાથી ખેડૂત આંદોલન ચાલુ છે. ૨૬મીની હિંસા બાદ પોલીસ કડકાઇ વર્તી રહી છે. જ્યારે દિલ્હીની બોર્ડર્સને લોખંડી કિલ્લામાં ફેરવી નાંખવામાં આવી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સીમા પર બેરિકેડ્સ વધારવામાં આવ્યા છે. આવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર નિશાન સાધ્યું છે.

પ્રદર્શનકારીઓને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની તસવીરો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, ભારત સરકાર, પુલ બનાવે દીવાલ નહીં. ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક વીડિયો ટ્વિટ કરતાં લખ્યું કે, વડાપ્રધાન, આપણા ખેડૂતોથી યુદ્ધ?

દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

ખેડૂત સંગઠનોએ ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આવામાં ગાજીપુર, ટિકરી અને સિંધુ સહિતની બોર્ડર પર પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સિમેન્ટના મોટા મોટા બેરિકેડ, કાટાંળા તારોનો ઉપયોગ કરાયો છે. જેથી પ્રદર્શનકારીઓના ટ્રેક્ટર દિલ્હીમાં આવી શકે.

(12:00 am IST)