Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

GSTની કલમ ૧૨૯-૧૩૦માં સુધારાથી આખરે ઇન્સપેકટર રાજ હવે ખતમ થશે

કલમની દુરૂપયોગની વ્યાપક ફરિયાદ જીએસટી કાઉન્સિલ સુધી થઇ હતી : બંને કલમનો ઉપયોગ કયાં કરવો તેની સ્પષ્ટતા કરવા બજેટમાં જાહેરાત

નવી દિલ્હી,તા. ૩: ઇ વે બિલ બનાવ્યા વિનાનો માલ જીએસટી અધિકારી દ્વારા પકડવામાં આવે તો કલમ ૧૨૯ કે ૧૩૦ લગાડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદ બાદ બંને કલમનો ઉપયોગ કયા કરવો તેની સ્પષ્ટતાન કરવાની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે વેપારીઓને રાહત થવાની સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર પર લગામ મુકાવાની શકયતા રહેલી છે.

જીએસટીના અમલ બાદ વેપારીઓને ઇન્સપેકટર રાજમાંથી મુકિત મળે તે માટે વખતોવખત પ્રયાસ કમરવામાં આવી રહ્યા છે પરંતુ અધિકારીઓએ દર વખતે નવા નવા રસ્તા શોધીને વેપારીઓને પરેશાન કરવાની કોઇ કચાશ રાખતા નથી. આ જ અંતર્ગત જીએસટીમાં કલમ ૧૨૯ -૧૩૦માં યોગ્ય સ્પષ્ટતા અભાવે અધિકારીઓ અને તેઓના મળતીયાઓએ ભ્રષ્ટાચાર કરવામાં કોઇ કચાશ બાકી રાખી નહી હોવાની વ્યાપક ફરિયાદ જીએસટી કાઉન્સિલ સુધી કરવામાં આવી હતી. જેથી કેન્દ્રના બજેટમાં બંને કલમનો ઉપયોગ હવેથી કઇ જગ્યાએ કરવામાં આવે તેની સ્પષ્ટતા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  • કલમનો દુરૂપયોગનો આ રીતે લાભ ઉઠાવવામાં આવતો

ઇવેબિલ વિનાની ગાડી પકડાય તો જીએસટી ચોરી કરવા માટે તેને બનાવ્યુ નહીં હોવાનું જણાવીને વેપારી સામે કલમ ૧૩૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે ઇ વેબિલ બનાવ્યુ હોવા છતાં તેમાં ખામી હોવાના કારણે કલમ ૧૨૯ પ્રમાણે કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ કેટલાક અધિકારીઓએ કલમ ૧૩૦ હેઠળ જ કાર્યવાહી કરીને તેનો માલ અને વાહન જપ્ત કરવાની ચીમકી આપતા હોય છે. જ્યારે કલમ ૧૨૯ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તો વેપારીના એક લાખના બિલ અને માલ પર લાગતા ૧૮ ટકા જીએસટીની ગણતરી કરવામાં આવે તો ૧૮ હજાર વત્તા સો ટકા પેનલ્ટીને લઇને કુલ્લેે ૩૬ હજાર ભરવાના થાય છે. જ્યારે કલમ ૧૩૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તો એક લાખના બિલ સામે વેપારીએ ૧.૫૪ લાખ ભરવાના થાય છે. આ બંનેની રકમમાં મોટો તફાવત હોવાના કારણે જ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી.

  • લાંબા સમય બાદ માંગણી સંતોષાઇ

જીએસટીની કલમ ૧૨૯ -૧૩૦માં સુધારા કરવા માટે વખતો વખત રજુઆત કરવામાં આવતી હતી. કારણે કે વેપારીઓએ ભારે તકલીફ વેઠવી પડતી હતી. લાંબા સમય બાદ માંગણી સંતોષવામાં આવતા વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.

-પ્રશાંત શાહ (ટેકસ કન્સલટન્ટ)

(10:07 am IST)