Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

... તો પછી દેશમાં ૪૦ લાખ ટ્રેકટરોની રેલી કાઢશું

સરકારને ઓકટોબર સુધીનું અલ્ટીમેટમ આપતા રાકેશ ટિકૈતનું એલાન

નવી દિલ્હી, તા.૩: કૃષિ કાનૂનો બાબતે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ટકરાવ વધતો જાય છે. છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી દિલ્હીની બોર્ડરો પર બેઠેલા ખેડુત દ્વારા કાયદા પાછા ખેંચવાથી ઓછી કોઇ ચીજ પર સમજૂતિ કરવા તૈયાર નથી, પણ ભલે આ આંદોલન ગમે તેટલું લાંબુ ચાલે. કિસાન આંદોલનની ધારને જોતા સરકારે પ્રદર્શન સ્થળો પર ખીલા-કાંટા, બેરીકેડીંગ દ્વારા કિલ્લાબંધી કરી દીધી છે. તો, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કરી દીધું છે કે ઓકટોબર સુધી આંદોલન આવી રીતે ચાલશે, ઓકટોબર સુધીમાં જો સરકાર અમારી વાત નહીં માને તો પછી કિસાન સંયઠન દેશવ્યાપી ટ્રેકટર રેલી કરશે.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, ભારતીય કિસાન યુનીયન (બીકેઆઇ)ના પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું 'અમે સરકારને ઓકટોબર સુધીનો સમય આપ્યો છે. જો સરકાર અમારી વાત ત્યાં સુધીમાં નહીં માને તો અમે ૪૦ લાખ ટ્રેકટરો સાથે દેશવ્યાપી રેલી કાઢશું' આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યું કે આ આંદોલન એમ પુરૂ નહીં થાય, પણ ઓકટોબર સુધી ચાલશે.

રાકેશ ટિકૈતે પત્રકારોને જણાવ્યું કે સરકારે રસ્તાઓ પર ખીલા કાઢયા, કાંટાળા તાર લગાડવા, આંતરિક રસ્તાઓ બંધ કરવા, સીમેન્ટના બેરીયર લગાવવા, ભાજપના ટેકેદાર લોકો દ્વારા પ્રદર્શન અને હુમલા કરવા જેવા પ્રયોગો કર્યા છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી છે. ૨૬ જાન્યુઆરીની ટ્રેકટર પરેડ પછી સેંકડો ખેડૂતો ગુમ છે, તેમની ભાળ નથી મળતી. તેમણે કહ્યું કે કિસાન આંદોલન સાથે સંકળાયેલા કેટલાય ટવીટર એકાઉન્ટ અને મોરચાનું એકાઉન્ટ બંધ કરી દેવાયું છે. સરકારના ઇશારે, ટવીટરે ૨૫૦ એકાઉન્ટોને બોગસ અને ભડકાઉ પોસ્ટ કરતા હોવાના આક્ષેપો સાથે બંધ કરી દીધા છે.

તેમણે કહ્યું કે હકીકતો એ છે કે સરકાર કિસાન પ્રદર્શનોને દેશભરમાંથી મળી રહેલા સમર્થનથી ડરી ગઇ છે. એટલે ખેડૂતોનું ઉત્પીડન કરે છે. મોરચાએ કહ્યું કે સરકારે દમનકારી નીતિ તાત્કાલિક બંધ કરી દેવી જોઇએ. ગેરકાયદેસર રીતે પોલિસ કસ્ટડીમાં લેવાયેલ ખેડૂતોને જયાં સુધી છોડવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે કોઇ વાતચીત નહીં કરવામાં આવે. સરકારે વાતચીત માટેનું વાતાવરણ ઉભું કરવું જોઇએ. ખીલા-કાંટાઓ વચ્ચે વાતચીત ન થઇ શકે.

(11:41 am IST)