Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

બિહાર સરકારનું ફરમાન

ધરણા - પ્રદર્શન કરનારને નહીં મળે સરકારી નોકરી

તેજસ્વીએ હિટલર - મુસોલિની સાથે કરી સરખામણી

પટના તા. ૩ : જો તમે બિહારમાં રહો છો તો તમને પ્રદર્શન કરવાનો અધિકાર નથી. નીતિશ સરકારે તમારી પાસેથી પ્રદર્શન કરવાનો અધિકાર છીનવી લીધો છે. છતાં પણ તમે પ્રદર્શન કરશો તો તમારે જોખમ પર કરવું પડશે. પ્રદર્શન કરતા પકડાઈ જશો તો તમને સરકારી નોકરી નહીં મળે. તમને સરકારી પ્રોજેકટ પણ નહીં મળે. વિદેશ જવા ઈચ્છતાં હોવ તો તમને પાસપોર્ટ બનાવવા માટે આચરણ પ્રમાણપત્ર પણ ખરાબ થશે. તો પછી તમે વિદેશ નહીં જઈ શકો. મતલબ કે તમે એવું કોઈપણ કામ નહીં કરી શકો જેમાં આચરણ પ્રમાણપત્ર કરવાની જરુર હોય.

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે બિહાર પોલીસ હેડકવાર્ટરના નવા નોટિફિકેશનને લઈને ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, 'મુસોલિની અને હિટલરને પડકાર ફેંકતા નીતિશ કુમાર કહે છે કે જો કોઈએ સત્તા વ્યવસ્થા વિરુદ્ઘ ધરણાં અથવા પ્રદર્શન કરીને પોતાના લોકતાંત્રિક અધિકારનો પ્રયોગ કર્યો તો તમને નોકરી નહીં મળે. મતલબ કે નોકરી પણ નહીં આપે અને વિરોધ પણ પ્રદર્શિત કરવા નહીં દે. બીચારા ૪૦ સીટના મુખ્યમંત્રી કેટલા ડરી રહ્યાં છે.'

૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં લખ્યું છે કે, 'જો કોઈ વ્યકિત કોઈ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, રસ્તા જામ વગેરે મામલાઓમાં સંડોવાયેલો હશે અને કોઈ અપરાધિક કૃત્યમાં પણ નામ આવશે તો તેના કાર્ય વિશે પોલીસ આરોપ ઘડશે તેમજ તેના સંબંધમાં કેરેકટર સર્ટિફિકેટમાં વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવશે. આવા વ્યકિતઓને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તેમને સરકારી નોકરી અથવા તો સરકારી પ્રોજેકટ નહીં મળે.'

પોલીસ હેડકવાર્ટરના આ લેટરમાં ખૂબ જ કડક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે ઘરણાં-પ્રદર્શન કરનાર લોકો અન્ય ગ્રહમાંથી આવ્યા છે. જયારે ધરણા-પ્રદર્શન કરવો તે બંધારણીય અધિકાર છે. વિચારોની અભિવ્યકિત હેઠળ દેશના દરેક નાગરિકને આ અધિકાર મળ્યો છે. કાયદાકિય હદમાં રહીને શાંતીપૂર્ણ રીતે ધરણાં-પ્રદર્શનની પરવાનગી છે. રાઈટ ટૂ ફ્રીડમનો અધિકાર પણ મળ્યો છે. જેમાં વિચાર અભિવ્યકિતનો અધિકારનો પણ સમાવેશ થાય છે. જે હેઠળ વ્યકિત કાયદાકિય હદમાં રહીને ધરણાં, પ્રદર્શન કે પછી ભાષણ પણ આપી શકે છે. જોકે, બિહાર સરકાર રાઈટ ટૂ ફ્રીડમનું ગળું ઘોંટવા પર લાગી છે.

(11:43 am IST)