Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

૧૫ મીથી ફાસ્ટેગ નહી હોય તો ડબલ દંડ

ટોલ બુથ ઉપર લગાવાયેલા કાઉન્ટર ઉપરથી પણ ફાસ્ટેગ મળી શકશેઃ ૧પ મી પછી કેશલેન થશે બંધ

નવી દિલ્હી, તા., ૩: નેશનલ હાઇવેના ટોલ નાકા ઉપર વાહનો રોકાયા વગર આવ-જા કરી શકે તે માટે લાગુુ કરાયેલી ફાસ્ટેગ સીસ્ટમ ૧પ મી ફેબ્રુઆરીથી ફરજીયાત થઇ રહી છે. જો ફાસ્ટેગ નહિ હોય વાહન ચાલકે ડબલ દંડ ભરવો પડશે. નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી ટોલ નાકાઓ ઉપર વારંવાર વાહનોની લાગતી લાંબી કતારોના ઉપાય રૂપે આ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે. જે વાહનો ઉપર ફાસ્ટેગ લાગેલો હોય છે તે વાહનો આજ સુધી ફાસ્ટેગ લેન ઉપર વગર રોક-ટોકે આવ-જા કરી રહયા છે. હાલમાં ફાસ્ટેગ સિવાયની કેશલેન પણ ઉપલબ્ધ છે. જે લેનમાંથી પસાર થતા વાહનોને રોકડ ટોલ ચુકવવો પડે છે. જો કે ૧પ મી બાદ આ લેન બંધ થઇ જશે તેવુ નેશનલ હાઇવે ઓથોરીટી (બાડમેર) ના પ્રબંધક  જીતેન્દ્ર ચૌધરીનું  કહેવું છે.

ટોલ નાકા ઉપર ફાસ્ટેગ વેચાણ માટેના કાઉન્ટરો લગાડવામાં આવ્યા છે. જયાં વાહન ચાલકો પોતાના કાગળો જમા કરાવી ફાસ્ટેગ ખરીદી શકે છે. પરંતુ જોધપુર-બાડમેર રોડ ઉપર નીંબાણી કી ઢાણીનું કાઉન્ટર સુમસામ નજરે પડતું હતું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ફાસ્ટેગની અવધી બે-ત્રણ વખત વધારવામાં આવી છે. ૧પ મી પછી સરકાર કેવુ પગલુ ભરે છે? તેના પર વાહન માલીકો અને આમ જનતાની મીટ છે.

(12:54 pm IST)