Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રિલાયન્સ અને ફયુચર ગ્રૃપ ડીલ પર મુકેશ અંબાણીને જોરદાર ઝટકો : દિલ્હી હાઇકોર્ટનો રપ૦૦૦ કરોડની ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ

નવી દિલ્હી, તા. ૩ : રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ ડીલ પર મુકેશ અંબાણી ને જોરદાર ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લગભગ ૨૫૦૦૦ કરોડ રૂપિયાની આ ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આ ડીલમાં અમેઝોના હિતોની રક્ષા માટે વચગાળાના આદેશની જરૂર છે. સિંગાપુરની કોર્ટે અગાઉ આ ડીલ પર રોક લગાવી હતી.

ચુકાદો ન આવે ત્યાં સુધી ફ્યૂચર રિટેલને યથાસ્થિતિ જાળવી રાખવાનું કહેવાયું છે. અમેઝોને  દિલ્હી હાઈકોર્ટમાં સિંગાપુરની કોર્ટના ચુકાદાને લાગુ કરવાની અપીલ કરી હતી. અમેઝોનનું કહેવું હતું કે ફ્યૂચર ગ્રુપને મુકેશ અંબાણી ના રિલાયન્સ ગ્રુપ સાથે ડીલ કરવા પર રોક લગાવવામાં આવે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે ૧ ફેબ્રુઆરીના રોજ અમેઝોન અને ફ્યૂચર રિટેલ લિમિટેડને સમજૂતિ અને સેટલમેન્ટ કરવા પર વિચાર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને કંપનીઓને પૂછ્યું કે શું તેઓ FRL અને રિલાયન્સ રિટેલ વચ્ચે ૨૪,૭૧૩ કરોડની ડીલથી પેદા થયેલા વિવાદને ઉકેલવા માટે તૈયાર છે. ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવાના આદેશથી મુકેશ અંબાણીએ ડીલ પૂરી કરવા માટે હાલ રાહ જોવી પડશે.

ઓગસ્ટ ૨૦૧૯માં અમેઝોને ફ્યૂચર કૂપન્સમાં ૪૯ ્રુની ભાગીદારી ખરીદી હતી. અમેઝોને ૧૫૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ ડીલમાં શરત એ હતી કે અમેઝોનને ૩ થી ૧૦ વર્ષના સમય બાદ ફ્યૂચર રિટેલ લિમિટેડની ભાગીદારી ખરીદવાનો હક રહેશે. આ સાથે જ ફ્યૂચર રિટેલની ભાગીદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ન વેચવાની પણ શરત હતી. આ દરમિયાન કિશોર બિયાણીએ ફ્યૂચર ગ્રુપના રિટેલ સ્ટોર, હોલસેલ અને લોજિસ્ટિકસ કારોબાર રિલાયન્સને વેચવા માટે ડીલ કરી. આ ડીલ ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં થઈ. જેના વિરુદ્ધ અમેઝોને મધ્યસ્થતા અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.

વિરોધમાં અમેઝોને સિંગાપુરની મધ્યસ્થતા અદાલતમાં પણ ગુહાર લગાવી હતી ત્યારબાદ આ ડીલ પર સ્ટે લગાવવામાં આવ્યો હતો. કોર્ટના એકમાત્ર મધ્યસ્થ વી કે રાજાએ અમેઝોનની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ મામલે ૩ સભ્યની મધ્યસ્થતા પેનલ અંતિમ ચુકાદો આપશે. આ પેનલમાં ફ્યૂચર અને અમેઝોન તરફથી એક એક સભ્ય હશે, એક સભ્ય તટસ્થ હશે.

(3:25 pm IST)