Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ઘણા બધા તાનાશાહોના નામ એમથી કેમ શરૂ થાય છે? કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનો રસપ્રદ સવાલ : મ્યાનમારમાં સત્તાપલટો કરનારા લશ્કરી વડાનું નામ મિન આંગ લાઈંગ છે હોઈ રાહુલે આવા કેટલાક નામ આપ્યા

નવી દિલ્હી, તા. ૩ : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મ્યાનમારમાં લશ્કરી બળવા સંદર્ભે એક રસપ્રદ વાત કહી છે. તેમણે પૂછ્યું કે આખરે આટલા બધા તાનાશાહોના નામ અંગ્રેજીમાં 'એમ' અક્ષરથી કેમ શરૂ થાય છે? કેરળના વાયનાડના સાંસદે પણ ટ્વિટ કરીને કેટલાક તાનાશાહોના નામ ગણાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યાનમારમાં તખ્તાપલટ કરનાર આર્મી ચીફનું નામ મિન આંગ લાઈંગ છે, જે અંગ્રેજીમાં 'એમ' અક્ષરથી શરૂ થાય છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં માર્કોસ, મુસોલિની, મિલોસેવિક, મુબારક, મોબુતુ, મુશર્રફ અને માઇકોમ્બરોનું નામ આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પછી મ્યાનમારની સેનાએ આખરે બળવો કરીને દેશના ટોચના નેતા આંગ સાન સુ કી સહિતના ઘણા લોકોની અટકાયત કરી છે. જેની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે અને ચીનની ભૂમિકા પર સવાલ ઉઠવા લાગ્યા છે. ગયા મહિને જ ચીની રાજદ્વારી વાંગ યીએ મ્યાનમાર આર્મીના કમાન્ડર-ઇન-ચીફ મીન આંગ સાથે મુલાકાત કરી હતી, અને બળવા અંગે તેની પ્રતિક્રિયા પણ ખૂબ જ ઠંડી રહી છે.

ભારતે પાડોશી દેશ મ્યાનમારમાં સેના દ્વારા તખ્તાપલટ કરવાના અને દેશના નામી નેતા આંગ સાન સૂ કીની અટકાયત કરવાને લઈને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા તેમજ લોકશાહીના મૂલ્યોનું પુરેપુરું જતન થવું જોઈએ.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, મ્યાનમારની બંને ઘટના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મ્યાનમારની સેનાએ એમ પણ કહ્યું કે, આગામી એક વર્ષ સુધી દેશમાં સત્તાને પોતાના તાબામાં રાખશે. આ દરમિયાન ફોન, ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ રહેશે.

(7:43 pm IST)