Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કેન્દ્ર સરકાર અને કોલેજિયમ ફરી એકવાર આમને સામને::અમને અપ્રિય નિર્ણયો લેવા માટે મજબુર ન કરો':કોલેજિયમ : 5 ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમની ભલામણ ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે:કેન્દ્ર સરકાર:આગામી સુનાવણી 13 ફેબ્રુઆરીના રોજ

નવી દિલ્હી: કેન્દ્રએ શુક્રવારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે સર્વોચ્ચ અદાલતમાં પાંચ ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણને ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવશે. એટર્ની જનરલ આર વેંકટરામણીએ જસ્ટિસ એસ.ના.કૌલ અને જસ્ટિસ એ.એસ.ઓકાની બેન્ચને જણાવ્યું હતું કે આ પાંચ નામોની નિમણૂકનો ઓર્ડર (વોરંટ) ટૂંક સમયમાં જારી થવાની શક્યતા છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલી માટેની ભલામણોને મંજૂર કરવામાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વિલંબ પર બેન્ચે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તે ખૂબ જ ગંભીર મુદ્દો છે.

બેન્ચે કહ્યું કે અમને એવું પગલું ભરવા માટે દબાણ ન કરો જે ખૂબ જ અસ્વસ્થતાભર્યું હશે. બેન્ચ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને મંજૂરી આપવામાં કેન્દ્ર તરફથી કથિત વિલંબ સંબંધિત મામલાની સુનાવણી કરી રહી હતી. આ મામલે આગામી સુનાવણી 13 ફેબ્રુઆરીએ થશે.
 

ઉલ્લેખનીય છે કે કોલેજિયમે ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે પાંચ જજોના નામની ભલામણ કરી હતી. જેમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(5:35 pm IST)