Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સૌના વિચારો અને દ્રષ્ટિકોણોમાં ભારે તફાવત હોય છતાં આપણે એક સમાન ક્ષેત્રની શોધ કરવી જોઈએ: જયશંકર

G20 વિદેશમંત્રીઓની બેઠકને વિદેશમંત્રી એસ,જયશંકરએ સંબોધન કરતા કહ્યું- આપણે જેટલું ટાળતા રહીશું તેટલી જ બહુપક્ષવાદની વિશ્વસનીયતા ઓછી થતી જશે. તેનું ભાવિ જાળવી રાખવું હોય તો વૈશ્વિક નિર્ણય લેવા માટે પણ લોકશાહીકરણ હોવું જોઈએ

નવી દિલ્હીઃ G20 વિદેશમંત્રીઓની બેઠકની શરૂઆત અગાઉ તૂર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના માનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ભારતના વિદેશમંત્રી ડો. એસ જયશંકરે બેઠકને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે આપણે સૌ પહેલી વખત એક વૈશ્વિક સંકટ દરમિયાન એક થયા હતા અને આજે ફરી આપણે ઘણાં સંકટોનો સામનો કરી રહ્યા છીએ. તેમાં કોવિડ મહામારી, નબળી ચેઈન સપ્લાય, હાલ ચાલી રહેલા સંઘર્ષોની અસર, નાણાંકીય દેવા સંબંધિત ચિંતા અને ક્લાઈમેટ ચેન્જની ઘટનાઓ સામેલ છે.

ડો. એસ જયશંકરે વઘુમાં જણાવ્યું કે આ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરતી વખતે આપણા સૌના મન હંમેશા એકસમાન હોઈ શકે નહીં. હકીકતે તો સૌના વિચારો અને દ્રષ્ટિકોણોમાં ભારે તફાવત છે. તે છતાં આપણે એક સમાન ક્ષેત્રની શોધ કરવી જોઈએ અને માર્ગદર્શન તથા દિશા-નિર્દેશ આપવા જોઈએ કારણ કે હાલ આપણી પાસેથી દુનિયાને તેની જ અપેક્ષા છે. હાલની વૈશ્વિક સંરચનાનોઆ 8મો દાયકો છે. આ સમયગાળા દરમિયાન UNના સભ્યોની સંખ્યા ચારગણી થઈ ગઈ છે. તે હાલના રાજકારણ, અર્થશાસ્ત્ર, વસતિ અથવા આકાંક્ષાઓને દર્શાવતી નથી. 2005 પછી આપણે સર્વોચ્ચ સ્તરે સુધારા માટે લાગણી વ્યક્ત કરવા અંગે સાંભળ્યું છે.

ડો. એસ જયશંકરે ઉમેર્યું કે આપણે સૌ જાણીએ છીએ તેમ તે ભૌતિક થયા નથી. કારણ પણ ખાનગી નથી. આપણે જેટલું ટાળતા રહીશું તેટલી જ બહુપક્ષવાદની વિશ્વસનીયતા ઓછી થતી જશે. તેનું ભાવિ જાળવી રાખવું હોય તો વૈશ્વિક નિર્ણય લેવા માટે પણ લોકશાહીકરણ હોવું જોઈએ. આપણા આજના એજન્ડામાં અન્ન, ખાતર અને ઈંધણ સુરક્ષા સામેના પડકારો વિશે ચર્ચા સામેલ છે. હકીકતમાં તો આ મુદ્દા વિકાસશીલ દેશોના નિર્માણ અથવા પતન અંગેના છે.

(12:00 am IST)