Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

૪ વર્ષના દિવ્‍યાંગ પુત્રથી કંટાળીને માતાએ તેને નદીમાં ફેંકી દીધો

પોલીસે આરોપી માતાની ધરપકડ કરી : રાજસ્‍થાનના કોટામાંથી હચમચાવી દેંતો કિસ્‍સો સામે આવ્‍યો

કોટા તા. ૩ : રાજસ્‍થાનના કોટામાંથી હચમચાવી દેંતો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક માતાએ ૪ વર્ષીય માસુમ બાળકને ચંબલ નદીમાં ફેંકી દીધો હતો. પોલીસે મહિલા આરોપીને ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા પુરા ઘટનાક્રમ અંગે મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકનું પોસ્‍ટમોર્ટમ કરીને તેના મૃતદેહને પરિવારજનને સોંપવામાં આવ્‍યો છે. આ સમગ્ર ઘટના ૨૮ ફેબ્રૂઆરીની છે.

કોટા શહેરના પોલીસ કમિશનર શરદ ચૌધરીએ જણાવ્‍યુ હતુ કે, ફિરોઝ અહેમદ નામના વ્‍યક્‍તિએ આ માહિતી પોલીસને આપી હતી. ફિરોઝ અહેમદ જયારે અધરશિલા દરગાહ પાસે બેઠો હતો, ત્‍યારે એક મહિલા પોતાના બે બાળકોને રીક્ષામાં લઈને ત્‍યાં લઈને આવી હતી. મહિલા પાસે એક ૨ વર્ષીય બાળક હતુ, જયારે એક નાનું બાળક હતુ. મહિલા પોતના બંને બાળકોને લઈને અધરશિલા દરગાહમાં ગઈ હતી. ૧૫-૨૦ મિનિટ બાદ જયારે મહિલા આ દરગાહમાંથી નીકળી ત્‍યાર તેની પાસે એક જ બાળક હતું. બીજુ બાળક હતુ નહીં, જેથી ફિરોઝે તેના બીજા બાળક અંગે પૂછ્‍યુ હતુ. જો કે, મહિલાએ કોઈ જવાબ આપ્‍યો ન હતો અને ફટાફટ ત્‍યાંથી નીકળી ગઈ હતી.

જયારે મહિલા ત્‍યાંથી ગઈ ત્‍યારે ફિરોઝ દરગાહમાં ગયો હતો અને ચંબલ નદીમાં એક બાળકનો મૃતદેહ તરતો જોયો હતો. જેથી ફિરોઝે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં લઈને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. દરગાહ પાસેના CCTV ચેક કરવામાં આવ્‍યા હતા. બાળકની તપાસમાં પોલીસને જાણકારી મળી હતી કે, મૃતક બાળકનું નામ યામીન અંસારી છે અને તે વીરમ ભારતી તોડી, રમઝાન શેઠના મકાન પાસે, શ્‍યોપુર, મધ્‍યપ્રદેશનો રહેવાસી છે.

યામીનનો જયારે જન્‍મ થયો ત્‍યારે તે બોલી શકતો ન હતો. યામીનના મોઢામાંથી લાળ ટપકતી હતી. તે બાથરૂમ પણ પેન્‍ટમાં કરી દેતો હતો, તેની દિનચર્યા પણ અસામન્‍ય થઈ ગઈ હતી. આ કારણોને કારણે તેની માતા ખૂબ કંટાળી હતી. ૨૮ ફેબ્રૂઆરીએ તે પોતાના પિયરથી પોતાના ૪ વર્ષીય પુત્ર યામીન અને ૬ મહિનાની દીકરીને લઈને નીકળી હતી. ઘરે તેને જણાવ્‍યુ હતુ કે, તે પોતાની બહેનપણીના ઘરે જઈ રહી છે, પરંતુ તે સીધી માંગરોળથી બાંરા આવી હતી. બાંરાથી તે કોટા બસસ્‍ટેન્‍ડ પહોંચી હતી અને ત્‍યાંથી અધરશિલા દરગાહ આવી હતી. દરગાહ પહોંચીને તે સીધી ચંબલ નદી પહોંચી ગઈ હતી. ચંબલ નદીએ પહોંચીને તેને પોતાના પુત્રને નદીમાં ફેંકી દીધો હતો અને પોતાની દીકરીને લઈને ઝડપથી તે દરગાહમાંથી નીકળી ગઈ હતી અને માંગરોળ પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી માતાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

(10:47 am IST)