Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મહિલાઓ પગાર વગર રોજ સાડા સાત કલાક ઘરેલુ કામ કરે છે : અર્થતંત્રમાં ૨૨.૭ લાખ કરોડનું યોગદાન

જો મહિલાઓને રોજના ૮ કલાક કામ કરવા બદલ પગાર આપવામાં આવ્‍યો હોત તો ગ્રામીણ મહિલાઓને મહિને ૫,૦૦૦ રૂપિયા અને શહેરી મહિલાઓને ૮,૦૦૦ રૂપિયાની કમાણી થઇ હોત : SBIનું સંશોધન જીડીપીના ૭.૫ ટકા ઘરની અડધી વસ્‍તીની મહેનત : પરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓમાં આ કામની ગણતરી નથી

નવી દિલ્‍હી તા. ૩ : સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની સંશોધન ટીમની તાજેતરની ગણતરી મુજબ, મહિલાઓનું અવેતન ઘરેલું કામ કુલ સ્‍થાનિક ઉત્‍પાદનમાં લગભગ ૭.૫ ટકા છે. મહિલાઓનું ઘરેલું કામ પરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓમાંથી બાકાત છે. તેમનું યોગદાન પણ આર્થિક ઉત્‍પાદનના દાયરાની બહાર રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે શ્રમ બજારમાં મહિલાઓની સ્‍થિતિ સમજવા માટે તેમના અવેતન કામની પ્રકૃતિને સમજવી જરૂરી છે. આની અર્થવ્‍યવસ્‍થા પર નોંધપાત્ર અસર પડે છે. વિશ્‍લેષણનો હેતુ ભારતમાં મહિલાઓના અવેતન ઘરેલું કામની સ્‍થિતિની તપાસ કરવાનો છે. વિશ્‍લેષણ માટે જાન્‍યુઆરીથી ડિસેમ્‍બર ૨૦૧૯ સુધીના સર્વેક્ષણ રિપોર્ટના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો, જેમાં મહિલાઓ દ્વારા તેમના ઘરના સભ્‍યોને પૂરી પાડવામાં આવતી અવેતન ઘરેલું અને સંભાળ સેવાઓનો સમાવેશ થાય છે.

અગાઉ IIM અમદાવાદ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું પણ જણાવવામાં આવ્‍યું હતું કે મહિલાઓ અવેતન ઘરેલું કામમાં પુરૂષો કરતાં દરરોજ લગભગ અઢી ગણો વધુ સમય વિતાવે છે. આ સંશોધન મુજબ, ૧૫ થી ૬૦ વર્ષની મહિલાઓ દરરોજ લગભગ સાડા સાત કલાક અવેતન ઘરેલું કામ કરે છે, જયારે પુરુષો તેના માટે માત્ર સાડા ત્રણ કલાક જ વિતાવે છે.

SBIના રિપોર્ટ અનુસાર, છ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ દ્વારા ઘરના કામકાજમાં વિતાવેલો સરેરાશ સમય લગભગ ૪૩૨ મિનિટ (૭.૨ કલાક) છે. સંશોધકોનું કહેવું છે કે જો મહિલાઓને રોજના ૮ કલાક કામ કરવા બદલ પગાર આપવામાં આવ્‍યો હોત તો ગ્રામીણ મહિલાઓને મહિને ૫,૦૦૦ રૂપિયા અને શહેરી મહિલાઓને ૮,૦૦૦ રૂપિયાની કમાણી થઈ હોત.

સંશોધકોના જણાવ્‍યા અનુસાર, ગ્રામીણ વિસ્‍તારોમાં ૫ ટકા મહિલાઓ અને શહેરી વિસ્‍તારોમાં ૩૦ ટકા મહિલાઓ ઘરેલું કામ ઉપરાંત વેતન કરે છે. અર્થતંત્રમાં અવેતન મહિલાઓનું કુલ યોગદાન લગભગ રૂ. ૨૨.૭ લાખ કરોડ છે, જે ભારતના જીડીપીના લગભગ ૭.૫ ટકા છે. તેમાંથી ગ્રામીણ વિસ્‍તારોમાં મહિલાઓનું યોગદાન ૧૪.૭ લાખ કરોડ રૂપિયા છે જયારે શહેરી વિસ્‍તારોમાં મહિલાઓનું યોગદાન ૮ લાખ કરોડ રૂપિયા છે.

(11:07 am IST)