Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના જેઠાલાલ-દિલીપ જોષીના ઘર બહાર ૨૫ લોકો બંદૂક લઇને ઉભા છે!

આ એ જ શખ્‍સ હતો જેણે મુકેશ અંબાણી, અમિતાભ બચ્‍ચન અને ધર્મેન્‍દ્રના ઘરે બોમ્‍બ મૂકવાની ધમકી પણ આપી હતી : ટીખળીના ધમકી ભર્યા કોલથી નાગપુર પોલીસે તપાસ શરૂ કરી : નંબર ટ્રેક કરવામાં આવતાં દિલ્‍હીના સિમકાર્ડ કંપનીના કર્મચારીનો નીકળ્‍યોઃ તેનો નંબર કોઇએ ખાસ એપથી ટ્રેક ઉપયોગ કરી ફોન કર્યો હતો

નવી દિલ્‍હી તા.૩: તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માની સિરિયલમાં જેઠાલાલ રોજેરોજ મુશ્‍કેલીનો સામનો કરતા હતા, પરંતુ હવે હકિકતમાં તેમની સાથે કંઈક એવું થયું છે. જેના વિશે દિલીપ જોશીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. તેને ધમકી મળી હતી કે તેના ઘરની બહાર ૨૫ લોકો બંદૂક લઈને ઉભા છે. નાગપુર પોલીસે તાત્‍કાલિક એક્‍શનમાં આવીને તેમની શોધખોળ શરૂ કરી હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ નાગપુર કંટ્રોલ રૂમને ૧ ફેબ્રુઆરીએ એક કોલ આવ્‍યો જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે શિવાજી પાર્કમાં દિલીપ જોશીના ઘરની બહાર હથિયારો અને બંદૂકોથી સજ્જ ૨૫ લોકો ઉભા છે. આ એ જ કોલ હતો જેમાં ફોન કરનારે મુકેશ અંબાણી, અમિતાભ બચ્‍ચન અને ધર્મેન્‍દ્રના ઘરે બોમ્‍બ મૂકવાની ધમકી પણ આપી હતી. ફોન કરનારે વધુમાં કહ્યું કે તેણે કેટલાક લોકોને ૨૫ લોકો વિશે વાત કરતા સાંભળ્‍યા જેઓ આ પ્રવળત્તિઓ કરવા માટે મુંબઈ પહોંચ્‍યા છે.

નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ આવ્‍યો હતો જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે કેટલાક લોકો મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અભિનેતા અમિતાભ બચ્‍ચન અને ધર્મેન્‍દ્રના બંગલાને બોમ્‍બથી ઉડાવી દેવાની યોજના બનાવી રહ્યા છે. નંબર ટ્રેક કરવામાં આવ્‍યો છે અને તે એક વ્‍યક્‍તિનો છે જે દિલ્‍હીમાં સિમ કાર્ડ કંપનીમાં કામ કરે છે. છોકરાનો નંબર તેની જાણ વગર ટેપ કરવામાં આવ્‍યો હતો અને એક ખાસ એપની મદદથી તેના નંબરનો ઉપયોગ કરીને કોલ કરવામાં આવ્‍યા હતા.

નાગપુર કંટ્રોલ રૂમે તરત જ શિવાજી પાર્ક પોલીસ સ્‍ટેશનને જાણ કરી અને ત્‍યાં કેસ નોંધીને તપાસ શરૂ કરી. પોલીસ હવે સાચા કોલરની શોધમાં છે. દિલીપ જોશી ટીવી ઈન્‍ડસ્‍ટ્રીનું જાણીતું નામ છે. તેમનો શો તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોને મંત્રમુગ્‍ધ કરી રહ્યો છે.

 

 

(11:37 am IST)