Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

આખા શહેરના ૩ લાખ લોકોને ચીન પ દિવસમાં રસી આપશે

વિશ્વભરમાં કોરોના રસીકરણનું અભિયાન તેજ : રુઈલી શહેરમાં રસીકરણ માટે ઝડપ કરવાનુ કારણ એ છે કે અહીંયા મંગળવારે ૧૬ નવા કેસ સામે આવ્યા હતા

બીજિંગ, તા. ૨ : દુનિયાના બીજા દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને તેમાં પણ ચીને એવુ લક્ષ્યાંક મુક્યુ છે જે અંગે જાણીને દુનિયા હેરાન છે.

ચીને પોતાના સરહદી વિસ્તારમાં આવેલા રુઈલી નામના શહેરના તમામ નાગરિકોને પાંચ જ દિવસમાં કોરોનાની રસી આપી દેવાનુ નક્કી કર્યુ છે.આ શહેરની વસતી ત્રણ લાખની છે.શુક્રવારથી અભિયાનની શરુઆત થઈ છે.ઠેર ઠેર લોકો કતારમાં પોતાનો વારો આવે તેની રાહ જોઈને ઉભેલા નજરે પડી રહ્યા છે. રુઈલી શહેરમાં રસીકરણ માટે આટલી ઝડપ કરવાનુ કારણ એ છે કે અહીંયા મંગળવારે કોરોનાના ૧૬ નવા કેસ સામે આવ્યા હતા.જેના પગલે સરકાર સતર્ક બની ગઈ હતી અને આખરે આખા શહેરના તમામ નાગરિકોને રસી મુકવાનુ લક્ષ્ય નક્કી કરાયુ હતુ.આ શહેર મ્યાનમારની સરહદને અડીને આવેલુ છે.સંક્રમિત થનારામાં ચાર મ્યાનમારના નાગરિકો પણ છે.

આજે રસીકરણના પહેલા જ દિવસે શહેરની અડધો અડધ વસ્તીને રસી મુકવામાં આવશે.લોકોને ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ અપાયો છે અને બીન જરુરી દુકાનો બંધ કરાવી દેવાઈ છે.મ્યાનમારમાંથી નાગરિકોની આ શહેરમાં ઘૂસણખોરી ના થાય તે માટે તંત્રને પણ સતર્ક રહેવાનો આદેશ અપાયો છે.

(12:00 am IST)