Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશઃ બ્રાઝીલ-અમેરિકાને પાછળ રાખી દીધા

કોરોના વાયરસ ભયાનક સ્વરૂપ પકડી રહ્યો છેઃ દૈનિક કેસના મામલે ભારત હવે વિશ્વમાં નંબર-૧: એક માસમાં ૭ ગણા કેસ વધ્યાઃ રોજેરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ બહાર આવી રહ્યા છે : છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૮૯૧૨૯ કેસઃ જ્યારે બ્રાઝીલમાં ૬૭૩૬૫ અને અમેરિકામાં ૬૫૨૮૧ નવા કેસઃ ભારતમાં ૨૪ કલાકમાં ૭૧૪ના મોતઃ કુલ કેસ ૧૨૩૯૨૨૬૦: કુલ મૃત્યુઆંક ૧૬૪૧૬૨

નવી દિલ્હી, તા. ૩ :. ભારતમાં કોરોના વાયરસનો કહેર શાંત થવાનુ નામ નથી લેતો. રોજેરોજ ચિંતા ઉપજાવે તેવા રેકોર્ડબ્રેક આંકડાઓ બહાર આવી રહ્યા છે. જે રીતે કોરોનાએ ફરીથી બિહામણી રીતે ધૂણવાનુ શરૂ કર્યુ છે તે જોતા હવે માઠા દિવસો આવી રહ્યાના એંધાણ મળી રહ્યા છે. પહેલીવાર દૈનિક કેસના મામલે ભારતે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ રાખી દીધા છે અને વિશ્વમાં ભારત દૈનિક કેસના મામલે પ્રથમ ક્રમાંકે પહોંચી ગયુ છે જે ચિંતા ઉપજાવે તેવુ છે. એક માસમાં જ ૭ ગણા કેસ વધી ગયા છે. રોજેરોજ આંકડાઓ આવે છે અને મૃત્યુઆંક નોંધાઈ છે તે બિહામણી સ્થિતિનો ચિતાર આપે છે.

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૮૯૧૨૯ કેસ નોંધાયા છે અને ૭૧૪ લોકોના મોત થયા છે જ્યારે બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૩૬૫ અને અમેરિકામાં ૬૫૨૮૧ કેસ નોંધાયા છે. આ રીતે ભારતે દૈનિક કેસના મામલે આ બન્ને રાષ્ટ્રોને પછાડી દીધા છે અને દૈનિક કેસમાં પહેલા નંબરે પહોેંચી ગયુ છે.

મળતા સમાચાર મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૪૪૨૦૨ રીકવરી થઈ છે અને અત્યાર સુધીનો મૃત્યુઆંક ૧૬૪૧૬૨ થયો છે. દેશમાં કુલ કેસ ૧૨૩૯૨૨૬૦ થયા છે અને એકટીવ કેસ ૬૫૮૯૦૯ છે. એટલે કે તેઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૨૪૬૯૫૯૧૯૨ લોકોનું ટેસ્ટીંગ થયુ છે જ્યારે ગઈકાલે ૧૦૪૬૬૦૫ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ.

ભારતમાં કોરોના વાયરસના કેસની સ્પીડ એટલી ઝડપી છે કે તેણે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ રાખી દીધા છે હવે ભારત વિશ્વનો પ્રથમ પ્રભાવિત દેશ બની ગયો છે. ભારતમાં ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ એટલે કે ૪૨૬ દિવસ પહેલા પ્રથમ કેસ મળ્યો હતો તે પછી સતત કેસ વધી રહ્યા છે. અનેક રાજ્યોમાં લોકડાઉન અને નિયંત્રણ લદાયા છે.

(10:51 am IST)