Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજસ્‍થાનની આંતરરાષ્‍ટ્રીય સરહદ બાડમેરમાં ભારતીય સેનાને જોઇને પાકિસ્‍તાનનું બાળક રડવા માંડયુઃ બીએસએફએ માનવીય અભિગમ રાખીને ભોજન કરાવ્‍યા બાદ પાકિસ્‍તાનને સોંપ્‍યુ

જયપુર: ભારત-પાકિસ્તાનની બોર્ડર કચ્છના રણથી રાજસ્થાન સુધીના રણવિસ્તાર સુધી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા છે. આ સીમામાં અવાર નવાર ભૂલથી પાકિસ્તાનથી અનેક લોકો બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી જાય છે. આ બોર્ડર પરથી એક નાનું બાળક સરહદ ક્રોસ કરીને ભારતની સીમામાં ઘુસી આવ્યુ હતું. તે બાદ BSFએ ફ્લેગ મીટિંગ કરીને બાળકને પાકિસ્તાનને પરત સોપ્યો હતો.

ભારત-પાક. આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી એક મેલા કપડામાં અને હાથમાં પાણીની બોટલ સાથે નાનુ બાળક ભટકતુ ભારતીય સીમામાં ઘુસી આવ્યુ હતું. જોકે, બાળકને જોતા પેટ્રોલિંગ સ્ટાફે તેને તુરંત રોકી લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય સરહદ રાજસ્થાનના બાડમેરની હતી. આ બોર્ડર પરથી અવાર નવાર ઘુષણખોરી થતી રહે છે જેને કારણે BSF હંમેશા એલર્ટ રહે છે. બીએસએફે બાળકને જોતા જ પહેલા તેની પૂછપરછ કરી હતી.

બાળક સેનાને જોઇને પહેલા તો ગભરાઇ ગયો હતો અને રડવા લાગ્યો હતો. જોકે, BSFએ માનવીય અભિગમ રાખતા તેને ભોજન આપ્યું હતું અને બાદમાં બ્લુ ફ્લેગ બતાવી અને પીલર પાસે પાકિસ્તાની રેન્જર્સ સાથે મંત્રણા કરી હતી. આ મંત્રણામાં બોર્ડરથી ત્રણ કિમી દૂર એક ગામ આવેલું છે ત્યાનો રહેવાસી આ બાળક ભૂલથી ભારતમાં આવી ગયો હતો. આ મંત્રણા બાદ બિનશરતી રીતે બાળકને પાકિસ્તાની રેન્જર્સને સોપવામાં આવ્યો હતો અને પાકિસ્તાની રેન્જર્સે બાળકને પરિવાર પાસે પહોચાડ્યો હતો.

(5:35 pm IST)