Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

લોખંડવાલામાં ટીવી એક્ટરના ઘરે એનસીબીએ દરોડો પાડ્યો

એજાઝ ખાન બાદ વધુ એક અભિનેતા સકંજામાં : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડાની થોડી મિનિટો પહેલાં જ તે એક્ટર વિદેશી મહિલા સાથે ઘર છોડીને નાસી ગયો

મુંબઈ, તા. : બિગ બોસ ફેમ એજાઝ ખાન બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) વધુ એક ટીવી એક્ટર પર ગાળિયો કસ્યો છે. ગત રાત્રે એનસીબીએ લોખંડવાલામાં એક ટીવી એક્ટરના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક્ટરના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે, જે જપ્ત કરાયું છે.

જો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડાની થોડી મિનિટો પહેલા તે એક્ટર વિદેશી મહિલા જોડે ઘર છોડીને નાસી ગયો હતો. એક્ટર અને વિદેશી મહિલા લોખંડવાલા સ્થિત ઘરે સાથે રહેતા હતા. હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે બંનેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં રહેતા એક્ટરના ઘરે દરોડા એજાઝ ખાનની પૂછપરછ બાદ પાડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, પૂછપરછમાં એજાઝ ખાને એક્ટરનું નામ લીધું હતું. જો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હાલ તો એક્ટરનું નામ ગુપ્ત રાખ્યું છે. જણાવી દઈએ કે, ૩૦ માર્ચ ૨૦૨૧ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરવા એજાઝ ખાનની મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. કલાક સુધી એજાઝની પૂછપરછ ચાલી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓને દાવો છે કે, એજાઝનું કનેક્શન મુંબઈના ડ્રગ સપ્લાયર શાદાબ બટાટા સાથે છે. જેને ગત અઠવાડિયે કરોડના ડ્રગ્સ સાથે એનસીબીએ ઝડપી પાડ્યો હતો. જો કે, ધરપકડ બાદ એજાઝે દાવો કર્યો હતો કે, એનસીબીની ટીમને તેના ઘરેથી ઊંઘની ચાર ગોળીઓ મળી હતી. જે તેની પત્ની એન્ટીડિપ્રેસન્ટ તરીકે ગળે છે કારણકે તેનું મિસકેરેજ થયું હતું. ધરપકડ બાદ એજાઝ ખાનને કોર્ટે એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આજે એજાઝની કસ્ટડી પૂરી થતાં એનસીબીની ટીમ તેને ફરી કોર્ટમાં લઈ જવા નીકળી હતી. દરમિયાન એજાઝે મીડિયા સાથે વાતચીત કરી હતી. ફરી એકવાર દાવો કર્યો હતો કે, તેના ઘરેથી મળેલી ગોળીઓ ઊંઘની દવા હતી. સાથે શાદાબ બટાટા સાથે કોઈ ટ્રાન્ઝેક્શન થયું હોવાની વાત કરી હતી. બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું. બોલિવુડના કથિત ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધીમાં એનસીબીએ કેટલાક સેલિબ્રિટીઝની પૂછપરછ કરી છે અને ડ્રગ ડીલર્સને પકડ્યા છે.

(7:21 pm IST)