Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાના કહેર મામલે વૈજ્ઞાનિકોના એક ફોરમનો સનસનીખેજ દાવો

માર્ચમાં જ ચેતવણી આપી'તી છતાં સરકાર ઉંઘતી રહી

કોરોનાની બીજી લહેર તથા વાયરસ વોરિયન્ટ અંગે સમયસર ચેતવણી આપી'તી પણ સરકારને વોટબેંકની ચિંતા હતીઃ કુંભમેળો-ચૂંટણી થવા દીધીઃ ભલામણો પણ ગણકારી નહોતી

નવી દિલ્હી, તા. ૩ :. કોરોનાની બીજી લહેરથી સામાન્ય લોકોની સાથે સાથે આખી સીસ્ટમ બેહાલ છે પણ પરિસ્થિતિને વિકરાળ બનાવવા માટે મોદી સરકાર જ જવાબદાર છે. વૈજ્ઞાનિકોના એક ફોરમનો દાવો છે કે તેમણે સમય પહેલા કેન્દ્ર સરકારને ચેતવણી આપી દીધી હતી તેમ છતા સરકાર વોટબેંકનું ધ્યાન રાખીને લોકોને કુંભમેળામાં સહેલ કરાવતી રહી તો બીજી બાજુ લોકોને સવલત ઉપલબ્ધ કરાવવાના બદલે સરકાર બંગાળમાં રેલીઓ કરતી રહી.

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતીય વૈજ્ઞાનિકોની એક પેનલે માર્ચની શરૂઆતમાં જ કોરોના વાયરસની બીજી લહેર અને કોરોના વાયરસના વેરીયંટ બાબતે મોદી સરકારને જણાવી દીધુ હતું, પણ સરકારે તેના પર ધ્યાન નહોતુ આપ્યું. ન્યુઝ એજન્સી રોઈટર્સ અનુસાર, ૪ ભારતીય વૈજ્ઞાનિકોએ ભારત સરકારને એલર્ટ કરી હતી. રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે મોટાપાયે પ્રતિબંધો મુકવાની જરૂર છે જેથી કોરોનાને ફેલાતો રોકી શકાય, પણ સરકારે કોરોના બાબતે કોઈ પગલા નહોતા લીધા.

એજન્સીએ કહ્યું કે ભારત સરકાર વૈજ્ઞાનિકોની આ ચેતવણી પછી પણ ચૂંટણીની રેલીઓ કરી રહી હતી અને તે પણ માસ્ક વગર. ખુદ વડાપ્રધાન મોદી ભીડને જોઈને ફુલ્યા નહોતા સમાતા. બીજી તરફ કુંભમાં લાખો લોકો રોજ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા હતા અને કૃષિ નીતિના વિરોધમાં દિલ્હીની બોર્ડરો પર ખેડૂત આંદોલન પણ ચાલુ હતુ જેમાં હજારો ખેડૂતો એકઠા થયેલા હતા.

રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતના એક રિસર્ચ સેન્ટરના ડાયરેકટરે નામ ના છાપવાની શરતે કહ્યું છે કે ૨૦૨૧ના માર્ચની શરૂઆતમાં જ કોરોનાના નવા વેરીયન્ટ અંગે ભારત જેનેટીક કંસોર્ટીયમે ચેતવણી આપી હતી. આ રિપોર્ટ ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને ડાયરેકટ મોકલાયો હતો. આ રિપોર્ટ એવા અધિકારીઓ પાસે ગયો હતો જેઓ સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. કેબીનેટ સચિવ રાજીવ ગાંવાને આનુ બ્રીફીંગ અપાયુ હતું. એજન્સીનુ કહેવુ છે કે ગાંવા સાથે વાત કરવાની કોશિષ કરાઈ પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો.

(10:58 am IST)