Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પ.બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ લોહીયાળ હિંસાઃ ૪ના મોત

રાજ્યના અનેક વિસ્તારોમાં ભાજપના કાર્યકરો ઉપર હુમલાઃ પ્રોપર્ટીમા તોડફોડ-આગજની

કોલકતા, તા. ૩ :. પ.બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલ હિંસા ચાલુ જ છે. અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે. ગઈકાલે નંદગ્રામમાં ભાજપની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી.

ભાજપનું કહેવુ છે કે તૃણમૂલે હિંસા આચરી છે. પ.બંગાળમાં પરિણામો બાદ થયેલ હિંસામાં ૪ના મોત થયા છે. જેમાં દક્ષિણ ૨૩ પરગણા, નદીયામાં ભાજપના કાર્યકર, હાલમાં તૃણમૂલ અને ઉત્તર ૨૪ પરગણામાં આઈએસએફના કાર્યકરનો જીવ લેવામાં આવ્યો હતો.

ગઈકાલે રાત્રે કોલકતામાં ઉલ્ટાડાંગામાં ભાજપના એક કાર્યકરની ધોલાઈ કરવામાં આવી હતી. આ સિવાય દક્ષિણ ૨૪ પરગણાના સોનારપુરમાં ભાજપના એક કાર્યકરનું મોત થયુ હતુ. આરોપ છે કે તૃણમૂલના કાર્યકરોએ માર મારતા ભાજપના કાર્યકરનું મોત થયુ હતું.

ચૂંટણી પરિણામ બાદ દુર્ગાપુરમા પણ ભાજપના કાર્યાલયમાં આગ લગાડવામાં આવી હતી. હુગલીના આરામબાગમાં પણ રાજકીય હિંસા જોવા મળી હતી. તૃણમૂલના સમર્થકોએ ભાજપના કાર્યકરોના ઘરો, દુકાનો પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન ઠેર ઠેર લૂંટફાટ થઈ હતી અને તોડફોડ થઈ હતી. ભાજપનો આરોપ છે કે અમારા કાર્યકરોની બે મોબાઈલની દુકાન, એક કપડાની દુકાનને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતું.

(3:19 pm IST)