Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાત્રી કર્ફ્યુનો અમલ જાહેર જનતા માટે રાત્રે 9 વાગ્યાથી થશે : હોમ ડિલિવરી ફૂડ સર્વિસને રાત્રે 10 વાગ્યા સુધી ખાસ છૂટ : રેસ્ટોરન્ટ પોતે અથવા ઓનલાઇન ફૂડ સર્વિસીસ જ પાર્સલ ડિલિવરી કરી શકશે : રાત્રે 9 પછી લોકો ફૂડ લેવા રૅસ્ટોરન્ટ જઈ શકશે નહીં

લોકોમાં અસમંજસને પગલે અકીલાએ રાજ્યના સત્તાવાર સૂત્રો પાસે આ બાબતે પુષ્ટિ કરી : રેસ્ટોરન્ટ્સ રાત્રે 9 થી 10 વચ્ચે પણ હોમ ડિલિવરી કરી શકશે : પોલીસ આમાં કોઈ કનડગત નહિ કરે તેમ સત્તાવાર સૂત્રોએ અકીલાને જણાવ્યું છે

રાજકોટ : રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુની મુદત એક અઠવાડિયું વધારાઈ છે. જોકે રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસને રાત્રે 10 વાગ્યા સુધી છૂટ અપાઈ છે ત્યારે લોકોમાં અસમંજસ છે કે શું રાત્રે 10 વાગ્યા સુધી હોટલ રેસ્ટોરન્ટમાં ફૂડ લેવા જઈ શકાશે કે કેમ ?

આ અંગે અકિલાને સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યુનો અમલ જાહેર જનતા માટે રાત્રે 9 વાગ્યાથી જ થશે. જોકે હોટલ રેસ્ટોરન્ટ વાળા જાતે અથવા ફૂડની હોમ ડિલિવરી કરતી સર્વિસીસ રાત્રે 10 વાગ્યા સુધી ફૂડની હોમ ડિલિવરી કરી શકશે. પરંતુ જનતા માટે રાત્રી કર્ફ્યુની અમલવારી રાત્રે 9 વાગ્યાથી થતી હોય લોકો જાતે રેસ્ટોરન્ટ પર ફૂડ લેવા જઈ શકશે નહીં.

આ સાથે અકીલાને સત્તાવાર સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે રાત્રે 9 થી 10 વચ્ચે રેસ્ટોરન્ટ વાળા અથવા ફૂડની હોમ ડિલિવરી કરતી સર્વિસીસના વ્યક્તિને પોલીસ કઈ કનડગત નહિ કરે.

(12:00 am IST)