Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જૂહી ચાવલાને જોઈ હાઈકોર્ટમાં ગૂંજ્યું ગીત - ‘ઘૂંઘટ કી આડ સે દિલબર કા..!’ ઑનલાઈન સુનાવણી ત્રણ વખત રોકાવવી પડી

કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વીડિયો લિન્કથી સંકળાયેલા કોઈ વ્યક્તિએ ફિલ્મી ગીતો ગાવાનું શરૂ કરી દીધુ : અન્ય એકે લાલ લાલ હોઠો પે ગોરી કિસકા નામ હૈ…લલકાર્યું

નવી દિલ્હી: બૉલિવૂડની લોકપ્રિય અભિનેત્રી જૂહી ચાવલાએ  દેશભરમાં 5G વાયરલેસ નેટવર્ક સ્થાપવા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે આજે બુધવારે ઓનલાઈન સુનાવણી હાથ ધરાઈ હતી. જો કે આ સુનાવણીને ત્રણ વખત રોકવાની ફરજ પડી હતી. આ સુનાવણીમાં અભિનેત્રી જૂહી ચાવલા જેવી સામેલ થઈ કે કોઈએ 1993માં આવેલી ફિલ્મ “હમ હૈ રાહી પ્યાર કે”નું જાણીતુ ગીત “ઘૂંઘટ કી આડ સે દિલબર કા…” ગણગણવાનું શરૂ કરી દીધું.

હકીકતમાં જૂહી ચાવલાએ આ સુનાવણીની વીડિયો લિન્ક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. જેથી સુનાવણીમાં અનેક લોકો જોડાઈ ગયા. જ્યારે કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વીડિયો લિન્કથી સંકળાયેલા કોઈ વ્યક્તિએ ફિલ્મી ગીતો ગાવાનું શરૂ કરી દીધુ.

જે બાદ જસ્ટિસ જે આર મેઘાએ કહ્યું કે, મહેરબાની કરીને આને મ્યૂટ કરો. જ્યારે જૂહી ચાવલા  તરફથી હાજર થયેલા વકીલ દીપક ખોસલાએ કહ્યું કે, મને આશા છે કે, આને કોઈ પ્રતિવાદી દ્વારા હટાવવામાં નહી આવે. અદાલત વાદી દ્વારા જમા કરવામાં આવેલી કોર્ટ ફીસ મુદ્દે સુનાવણી કરી રહી હતી. જ્યારે કોઈ અન્યએ બોલિવૂડ ગીત ગાઈને ફરીથી સુનાવણીને અવરોધી હતી

ઓનલાઈન સુનાવણી દરમિયાન અન્ય એક પ્રતિવાદીએ ફરીથી જૂહી ચાવલાની ફિલ્મનું ગીત ગાયું હતું. એ વખતે લાલ લાલ હોઠો પે ગોરી કિસકા નામ હૈ…નો અવાજ કોર્ટ રૂમમાં ગૂંજી ઉઠ્યો. જો કે તેને સુનાવણીથી હટાવી દેવામાં આવ્યો હતો. જો કે આટલેથી ના અટકતા આગળ કોઈએ મેરી બન્નો કી આયેગી બારાતનું ગીત ઉચ્ચાર્યું હતું. જે બાદ જજે વ્યક્તિની ઓળખ કરીને તેને અવમાનનાની નોટિસ ફટકારવાનો આદેશ આપી દીધો. અદાલતે દિલ્હી હાઈકોર્ટના આઈટી વિભાગને જે-તે વ્યક્તિની ઓળખ કરીને જરૂરી કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને તેની જાણકારી આપવાનું જણાવ્યું છે.

જણાવી દઈએ કે, અગાઉ જૂહી ચાવલાએ  દેશભરમાં 5G વાયરલેસ સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને અન્ય જીવો પર આ રેડિયેશનની અસરનો મુદ્દો ઉઠાવ્યો છે.

2008માં જૂહી ચાવલાએ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મોબાઈલ ટાવર અને વાઈ-ફાઈ હોટસ્પોટથી નીકળનારા રેડિએશનથી માનવ જાતિ, પશુ-પંખીઓ અને વનસ્પતિઓને થનારા નુક્સાન પ્રત્યે ચેતવ્યા હતા.

(12:00 am IST)