Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં NCB દ્વારા હરીશ ખાન બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરાઈ : MDMA ડ્રગ્સ પણ મળ્યું

આગામી દિવસોમાં કેટલીક વધુ મહત્વપૂર્ણ ધરપકડ પણ થઈ શકે

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. તેમાંથી એકનું નામ હરીશ ખાન કહેવામાં આવી રહ્યું છે. હરીશ ખાન પાસેથી ધરપકડ સમયે એમડીએમએ (MDMA) ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવી છે. એનસીબી આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે અને આગામી દિવસોમાં કેટલીક વધુ મહત્વપૂર્ણ ધરપકડ પણ થઈ શકે છે.

થોડા દિવસ પહેલા જ આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતનો રૂમમેટ રહેલો સિદ્ધાર્થ પિઠાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે તેને 4 જૂન સુધી NCB ની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. સિદ્ધાર્થ પિઠાની સુશાંત સિંહ રાજપૂતનો રૂમમેટ હતો. ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત તેમના મુંબઇ બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.અભિનેતાને ફેન પર લટકતા સૌથી પહેલા સિદ્ધાર્થ પિઠાનીએ જોયા હતા.

સિદ્ધાર્થે અન્ય લોકોની મદદથી મૃતદેહને પંખાથી નીચે ઉતાર્યો હતો. તે સિદ્ધાર્થ જ હતો જેણે પોલીસને સુશાંતસિંહ રાજપૂતનાં મોત અંગે સૌ પ્રથમ માહિતી આપી હતી. સિદ્ધાર્થ પિઠાની એ પહેલા વ્યક્તિ હતો જેમણે એમ્બ્યુલન્સ મંગાવી સુશાંતસિંહ રાજપૂતને હોસ્પિટલમાં મોકલી દિધા હતા.

એટલા માટે ગયા વર્ષે જ ડ્રગ કેસમાં સિદ્ધાર્થની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પછી તેને જામીન મળી ગયા હતા. જોકે, થોડા દિવસો પહેલા ફરી એકવાર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ થતાં આ કેસમાં કેટલાક નવા ખુલાસા થવાની સંભાવનાઓ વધી ગઈ છે.

સિદ્ધાર્થ પિઠાનીની એકવાર ફરીથી ધરપકડ થતા, એવી અટકળો વહેતી થઈ હતી કે સુશાંત સિંહ કેસમાં નક્કી એનસીબીને કેટલીક નવી માહિતી હાથ લાગી છે. જેનો ખુલાસો સિદ્ધાર્થ પિઠાનીનાં માધ્યમ દ્વારા હવે થવાનો છે. ત્યારે એવી પણ અટકળો કરવામાં આવી હતી કે હવે કેટલીક વધુ ધરપકડ કરવામાં આવશે. આ કડીમાં આજે ડ્રગના પેડલર હરીશ ખાનની ધરપકડ જોવા મળી રહી છે.

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે એક મહિનો જેલમાં પણ રહી હતી. આ પછી રિયાને જામીન મળી ગયા હતા. ડ્રગ કેસમાં તપાસ દરમિયાન દીપિકા પદુકોણ સારા અલી ખાન શ્રદ્ધા કપૂર  રકુલ પ્રીત સિંહ ના નામ પણ સામે આવ્યા હતા.

જો કે, આ બધાએ એનસીબીને કહ્યું હતું કે તેઓ ડ્રગ્સ લેતા નથી. કોઈ પુરાવા ન હોવાને કારણે એનસીબીએ આ લોકોને ક્લીનચીટ પણ આપી હતી.

14 જૂને સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંતના ચાહકોને આશા છે કે એનસીબીની કાર્યવાહીમાં ઝડપથી કેટલાક નવા ઘટસ્ફોટ થાય અને સુશાંત સિંહના મોત પાછળનું વાસ્તવિક કારણ જાણી શકાય.

(12:00 am IST)