Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

આતંકીઓએ ભાજપ નેતા રાકેશ પંડિતની ઘરની બહાર ગોળી મારી કરી કરપીણ હત્યા

રાકેશ પંડિત પુલવામા જિલ્લાના ત્રાલના મ્યુનિસિપલ કાઉન્સિલર: હુમલામાં એક મહિલાને પણ પગમાં ગોળી વાગી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ આતંકવાદીઓએ આજે બીજેપીના વધુ એક નેતાની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ ભાજપના નેતા રાકેશ પંડિતને પુલવામામાં તેમના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. ગોળી વાગેલી ગંભીર હાલતમાં રાકેશ પંડિતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

રાકેશ પંડિત પુલવામા જિલ્લાના ત્રાલના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા. તે કાશ્મીરી પંડિતહતા. અહેવાલો અનુસાર આ હુમલામાં એક મહિલાને પણ પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘવાઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જે એન્ડ કે પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે આતંકવાદીઓએ ત્રાલમાં કાઉન્સિલર રાકેશ પંડિતની ગોળી મારી હતી. તેમને બે વ્યક્તિગત સુરક્ષા અધિકારી આપવામાં આવ્યા હતા, પરંતુ છતાં, રાકેશ પંડિત સલામતી વિના ત્રાલ ગયા હતા.

જે એન્ડ કે આઇજી વિજય કુમારે કહ્યું કે ત્રાલ મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશ પંડિત સોમનાથને આજે સાંજે ત્રણ અજાણ્યા આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આ ઘોર ગુના બદલ આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.

(9:16 am IST)