Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બીજી લહેરની જેમ ખતરનાક હોઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર

એસબીઆઈના રિપોર્ટમાં ત્રીજી લહેર ૯૮ દિવસ ચાલવાનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું

નવી દિલ્‍હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ખાત્‍મા તરફ આગળ વધી રહી છે, પરંતુ ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. એસબીઆઈ રિપોર્ટ અનુસાર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર, બીજી લહેરની જેમ ખુબ ખતરનાક હશે. આ રિપોર્ટમાં અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર ૯૮ દિવસ સુધી ચાલી શકે છે.

આંતરરાષ્ટ્રીય અનુભવોના આધાર પર એસબીઆઈ ઇકોરેપની રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ત્રીજી લહેરનો પ્રભાવ બીજી લહેરથી વધુ અલગ હશે નહીં. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે કોરોનાનો સામનો કરવા સારી તૈયારી કરી ત્રીજી લહેરમાં મૃત્‍યુઆંક ઘટાડી શકાય છે. વિશ્વના ટોપ દેશોમાં ત્રીજી લહેર સરેરાશ ૯૮ દિવસ ચાલી છે, જયારે બીજી લહેર ૧૦૮ દિવસ ચાલી હતી. બીજી લહેરથી બોધપાઠ લેતા રાજય અને કેન્‍દ્રોએ ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, તેવામાં આવા સમયે ત્રીજી લહેરને લઈને અનુમાન ખુબ મહત્‍વપૂર્ણ થઈ જાય છે.

આ રિપોર્ટ અનુસાર, ત્રીજી લહેરમાં ગંભીર મામલાને ૫ ટકાની અંદર લાવી કુલ મોતોને ઓછી કરી ૪૦ હજાર સુધી લાવી શકાય છે. જયારે બીજી લહેરમાં ગંભીર મામલા ૨૦ ટકા હતા, જેમાં અત્‍યાર સુધી ૧.૭ લાખ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેરે ખુબ તબાહી મચાવી છે. બીજીલહેરમાં દરરોજ સંક્રમણના કેસ ૪.૧૪ લાખે પહોંચ્‍યા હતા. માત્ર મે મહિનામાં ૯૦.૩ લાખ કેસ સામે આવ્‍યા, એક મહિનામાં આટલા વધુ કોરોના કેસ અત્‍યાર સુધી કોઈ દેશમાં નોંધાયા નથી.

(11:08 am IST)